શ્રીવિષ્ણુ ક્યારેય નથી કરતા આ ભૂમિનો ત્યાગ, આ જ છે ધરતીલોક પરનું સાક્ષાત વૈકુંઠ !

બદરીધામના ગર્ભગૃહમાં ભક્તોને બદરીશ પંચાયતના દર્શન થાય છે. અહીં બદરીનાથની શ્યામ રંગની પાષાણની પ્રતિમા વિદ્યમાન છે. અલબત્, આ પ્રતિમાના દર્શન પૂર્વે અહીં તપ્તકુંડમાં સ્નાન કરવું જરૂરી છે. કારણ કે, પાપમુક્ત બન્યા બાદ જ બદરીવિશાલના દર્શનની પ્રથા છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: May 08, 2022 | 1:54 PM

ભારતનું ઉત્તરાખંડ એટલે તો એ રાજ્ય કે જ્યાં કુદરતે ખોબલે ખોબલે સૌંદર્યું વેર્યું છે. અને એટલે જ તો આ સ્થાન દેવભૂમિ તરીકે ઓળખાય છે. પણ, આ દેવભૂમિમાં આવેલાં ખરાં વૈકુંઠલોકને આપે નિહાળવું હોય, તો આપે પહોંચવું પડશે બદરીનાથ ધામ. કારણ કે, તે જ તો મનાય છે ધરતી પરનું વૈકુંઠ ! ભારતના મુખ્ય ચારધામમાં બદરીનાથ એ સતયુગનું ધામ મનાય છે. તો, ઉત્તરાખંડના નાના ચારધામની યાત્રામાં અંતિમ દર્શન બદરીનારાયણના જ થાય છે. અહીં શ્રીવિષ્ણુનો સદાકાળ નિવાસ મનાય છે. કહે છે કે નારાયણ બદરીક્ષેત્રનો ક્યારેય પણ ત્યાગ નથી કરતા !

હરિદ્વારથી બદરીનાથ ધામ લગભગ 315 કિ.મી. અંતરે સ્થિત છે. જો કે, ઉત્તરાખંડના ચારધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ સર્વ પ્રથમ યમુનોત્રી, પછી ગંગોત્રી, ત્યારબાદ કેદારનાથ અને અંતમાં બદરીનારાયણના દર્શને જતા હોય છે. કેદારધામથી બદરીધામનું અંતર લગભગ 218 કિ.મી. જેટલું છે. તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. તે સમુદ્રની સપાટીથી લગભગ 3133 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. પણ, ત્યાં સુધી પહોંચવા માટે પાક્કા રસ્તાની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે, વાહન માર્ગે આપ સરળતાથી બદરીધામ પહોંચી શકો છો.

બદરીધામના સાનિધ્યે પગ મૂકતાં જ શ્રદ્ધાળુઓનું મન પ્રસન્નતાથી ઘેરાઈ જાય છે. પાવની અલકનંદા નદીના કાંઠે અદભુત રંગોથી શોભતા બદરીધામના મુખ્ય મંદિરને નિહાળતા જ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની જાય છે. અને બદરીનારાયણના દિવ્ય રૂપના દર્શન કરવા આતુર બની જાય છે.

તપ્તકુંડમાં સ્નાન

અહીં મુખ્ય મંદિરમાં પ્રવેશ પૂર્વે શ્રદ્ધાળુઓ તપ્તકુંડમાં સ્નાન કરે છે. તેના નામની જેમ જ ભર ઠંડી વચ્ચે પણ આ કુંડના જળ સદૈવ ગરમ જ રહે છે. સ્કંદપુરાણમાં વર્ણિત કથા અનુસાર અગ્નિદેવે આ જ સ્થાન પર તપસ્યા કરીને નારાયણને પ્રસન્ન કર્યા હતા. અને ઋષિ ભૃગુના શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. કહે છે કે શ્રીવિષ્ણુની જ આજ્ઞાથી અગ્નિદેવ આ સ્થાન પર વિદ્યમાન થયા છે. અને અહીં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓને પાપમુક્ત કરી રહ્યા છે !

બદરીશ પંચાયત

બદરીધામના ગર્ભગૃહમાં ભક્તોને બદરીશ પંચાયતના દર્શન થાય છે. અહીં બદરીનાથની શ્યામ રંગની પાષાણની પ્રતિમા વિદ્યમાન છે. લગભગ 1 મીટર ઊંચી આ પ્રતિમા શાલીગ્રામ શિલામાંથી નિર્મિત છે. પદ્માસનમાં વિદ્યમાન પ્રભુ ધ્યાનસ્થ અવસ્થામાં હોય તેવું લાગે છે. બદરીશ પંચાયતમાં પ્રભુની સાથે ગરુડજી, કુબેરજી તેમજ મંદિરના પ્રથમ પૂજારી મનાતા નારદજી પણ દૃશ્યમાન છે. તો સાથે જ અહીં પ્રભુના બાળ સખા ઉદ્ધવજીના પણ ભક્તોને દર્શન થઈ રહ્યા છે. નર-નારાયણની પ્રતિમા પણ ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">