Pakistan Crisis: કંગાળ પાકિસ્તાનમાં લોકોની હાલત કફોડી, ભારતના કરી રહ્યા છે વખાણ, જુઓ Viral Video
પાકિસ્તાનમાં મોંઘવારીનો 48 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સોશિયલ મીડિયા પર હાલ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાકિસ્તાનના લોકો ભારતના અર્થતંત્ર અને અન્ય બાબતોના વખાણ કરી રહ્યા છે.
આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીનો દર આસમાને છે, લોકોને મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી રહી અને વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેક્સ રિઝર્વ) ઘટી રહ્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આર્થિક સંકટ એટલું મોટું છે કે દેશ નાદારીની આરે ઉભો છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારીનો છેલ્લા 48 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સોશિયલ મીડિયા પર હાલ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાકિસ્તાનના લોકો ભારતના અર્થતંત્ર અને અન્ય બાબતોના વખાણ કરી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે જેમાં પાકિસ્તાનના લોકો ભારતના અર્થતંત્ર, ભારતની વિદેશ નીતિ અને વિશ્વમાં ભારતની મજબૂત સ્થિતિના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે એક સાથે જ આઝાદ થયેલા બંન્ને દેશ અને આજે જુઓ ભારત ક્યા છે અને પાકિસ્તાનની શું હાલત છે. તેના માટે ત્યાના લોકો તેમની આર્મી અને સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. જેમાં તેઓ હાલના પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને અને તે પૂર્વેના પીએમને જવાબદાર ગણાવી રહ્યા છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મોંઘવારીએ જાન્યુઆરી 2023માં નવો રેકોર્ડ બનાવ્યો છે અને 1975 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વિદેશી મુદ્રા ભંડારના અભાવને કારણે શાહબાઝ શરીફની સરકારે આયાતમાં ઘટાડો કર્યો છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ ન્યૂઝપેપરના અહેવાલ મુજબ, બંદરો પર ખાદ્ય પદાર્થો, કાચો માલ અને સાધનોના હજારો કન્ટેનર અટવાયેલા છે.
શ્રીલંકાની જેમ પાકિસ્તાન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશની સરકારે પણ હવે તેનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પોતે કહ્યું છે કે દેશ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ હોય, ખાદ્યપદાર્થો હોય કે પછી રાંધણગેસ અને વીજળી હોય. બધું જ સ્થાનિક લોકોની પહોંચની બહાર થઈ રહ્યું છે. દેશમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે ડિસેમ્બર 2022માં મોંઘવારી દર વધીને 24.5 ટકા થઈ ગયો છે. આ સિવાય પાકિસ્તાન પર દેવું પણ સતત વધી રહ્યું છે.