New IT Rules : ભારતે UNHRC માં કહ્યું નવા આઈટી નિયમો યુઝર્સને સશક્ત બનાવવા માટેના છે

New IT Rules : ભારત સરકારે કહ્યું કે નવા આઈટી નિયમો સોશિયલ મીડિયા-આઈટીના સામાન્ય યુઝર્સને સશક્ત બાનાવાનારા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો ભોગ બનેલા લોકો પાસે તેમની ફરિયાદો દૂર કરવા માટે એક પ્લેટફોર્મ હશે.

New IT Rules : ભારતે UNHRC માં કહ્યું નવા આઈટી નિયમો યુઝર્સને સશક્ત બનાવવા માટેના છે
સાંકેતિક તસ્વીર

New IT Rules : ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે આઈટીના નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમોને લઈને ટ્વીટર સાથે સરકારનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ભારત સરકારના આ નવા આઈટી નિયમો અનેગ ચિંતા કરી હતી. રવિવારે 20 જૂને ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓનું ખંડન કરીને યોગ્ય જવાબ આપ્યો હતો.

ભારત સરકારને UNHRC નો પત્ર
ભારત સરકારના નવા આઈટી નિયમો (New IT Rules) અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) એ ભારત સરકારને પત્ર લખ્યો હતો. UNHRC ની વિશેષ શાખાનો પત્ર એવા સમયે આવ્યો જયારે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે.

UNHRC ની વિશેષ શાખાએ 11 જૂને ભારત સરકારના નવા આઇટી નિયમોની કેટલીક જોગવાઈઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને આક્ષેપ કર્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર નથી. આ કાયદાઓ નાગરિક અને રાજકીય અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા માન્યતાના ગુપ્તતાના અધિકાર અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ધોરણોને અનુરૂપ નથી.

UNHRC ની વિશેષ શાખાએ કહ્યું હતું, “અમને ચિંતા છે કે ભારત સરકારના નવા આઈટી નિયમો (New IT Rules) સત્તાધિકારીઓને એ પત્રકારોને સેન્સર કરવાની શક્તિ આપી શકે છે જેઓ લોકોના હિતની માહિતીને બહાર લાવે છે અને સરકારને જવાબદાર ઠેરવવાના પ્રયાસમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને આગળ લાવે છે.”

ભારતમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા : ભારત સરકાર
નવા આઈટી નિયમો (New IT Rules) અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. મંત્રાલયે જારી કરેલા એક સત્તાવાર નિવેદન અનુસાર,સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ની વિશેષ કાર્યવાહી શાખાના પત્રના જવાબમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશને કહ્યું હતું કે ભારતની લોકશાહીને સારી ઓળખ પ્રાપ્ત છે.

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય બંધારણ હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકની ખાતરી આપવામાં આવે છે. એક સ્વતંત્ર ન્યાયતંત્ર અને એક મજબૂત મીડિયા ભારતના લોકશાહી સ્થાપનાનો ભાગ છે.

સામાન્ય યુઝર્સને સશક્ત બનાવવા નવા નિયમો લાવ્યા : ભારત સરકાર
UNHRC ના પત્રના વળતા જવાબમાં ભારત સરકારે કહ્યું કે નવા આઈટી નિયમો (New IT Rules) સોશિયલ મીડિયા-આઈટીના સામાન્ય યુઝર્સને સશક્ત બાનાવાનારા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો ભોગ બનેલા લોકો પાસે તેમની ફરિયાદો દૂર કરવા માટે એક પ્લેટફોર્મ હશે. આ નવા નિયમોનો નિર્ણય વિવિધ હિતધારકો સાથેની વિગતવાર સલાહ બાદ લેવામાં આવ્યો છે.

સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગના વધતા જતા કેસોને કારણે વ્યાપક ચિંતાઓને કારણે નવા આઇટી નિયમો રજૂ કરવા જરૂરી છે. દુરૂપયોગની આ ઘટનાઓમાં આતંકવાદીઓને ભરતી કરવાની પ્રેરણા, અશ્લીલ સામગ્રીનો ફેલાવો, દુશ્મનાવટ ફેલાવવી, નાણાકીય છેતરપિંડી, હિંસા કરવી, ઉપદ્રવ કરવા માટે ઉશ્કેરવું વગેરે શામેલ છે.