Breaking News : ઝુકરબર્ગ એક સુપર ઇન્ટેલિજન્સ AI ટીમ બનાવી રહ્યા છે, જે માણસોની વિચારવાની ક્ષમતાને ટક્કર આપશે !
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ હવે એક નવી એઆઈ ટીમ બનાવી રહ્યા છે, જે સુપર ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર કામ કરશે. ઝુકરબર્ગનું માનવું છે કે, આ એઆઈ ટીમ માણસો કરતા પણ વધુ બુદ્ધિશાળી હશે. મેટાનો હેતુ AGI એટલે કે 'આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ'નો વિકાસ થાય તેના પર છે. આ AGI ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

દુનિયામાં ટેકનોલોજીની ગતિ હવે એટલી ઝડપથી થઈ રહી છે કે હવે માણસોની જેમ વિચારનારી AI સિસ્ટમ બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. હવે ફેસબુક (મેટા)ના માલિક માર્ક ઝુકરબર્ગ પોતે આ દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છે. મેટા એક સુપરઇન્ટેલિજન્ટ AI ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે માર્કે હાયરિંગ પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે.
ટીમનું નેતૃત્વ એક નવા AI રિસર્ચ હેડ કરશે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માર્ક ઝુકરબર્ગ એક નવી AGI ટીમ બનાવી રહ્યા છે, જેમાં લગભગ 50 AI એક્સપર્ટસનો સમાવેશ થશે. આ ટીમમાં જોડાવા માટે વિશ્વના ટોચના સંશોધકો અને ઇજનેરોની પસંદગી કરવામાં આવશે. આ ટીમનું નેતૃત્વ એક નવા AI રિસર્ચ હેડ કરશે, જેની જવાબદારી ‘AI’ને વિશ્વમાં મોખરે લાવવાની રહેશે.
ટેકનોલોજીની દુનિયામાં સુપરઇન્ટેલિજન્ટ AI
AGI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરલ, જે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ માણસોની જેમ જ સમજણ ધરાવશે અને વિચારી શકશે. આ સિસ્ટમ ફક્ત સવાલ-જવાબ કરનાર ચેટબોટ નહીં હોય પરંતુ એક AI હશે જે માણસોની જેમ પોતાની જાતે વિચારીને કોઈપણ જટિલ કાર્ય સરળતાથી કરી શકશે. મેટાનું નવું મિશન ટેકનોલોજીની દુનિયામાં એક એવું સુપરઇન્ટેલિજન્ટ AI બનાવવાનું છે કે જે માણસોની બરાબર હોય અથવા તો તેનાથી પણ વધુ સારું હોય.
આ મિશનને સફળ બનાવવા માટે ઝુકરબર્ગ સ્કેલ AI નામની કંપનીમાં $10 બિલિયન (રૂ. 80,000 કરોડથી વધુ)નું રોકાણ કરવા જઈ રહ્યા છે. સ્કેલ AIના સ્થાપક એલેક્ઝાન્ડર વાંગ પણ આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે અને AGI ડેવલપમેન્ટ ટીમનો ભાગ બની શકે છે.
AI મોડેલ પર વધુ ધ્યાન
મેટાએ તાજેતરમાં જ તેનું નવું LLaMA 4 મોડેલ લોન્ચ કર્યું છે, જે એક ભાષા આધારિત AI મોડેલ છે. જો કે, મેટા પોતે આ મોડેલના પ્રદર્શનથી ખુશ નથી. બ્લૂમબર્ગના મતે, ઝુકરબર્ગ થોડા નારાજ છે કે તેમના AI મોડેલને અપેક્ષા મુજબ વધુ ઓળખ નથી મળી રહી. આ જ કારણ છે કે, ઝુકરબર્ગ હવે આ નવા AGI પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. AGI તરફ ઝડપથી કામ કરતી મેટા એકમાત્ર કંપની નથી. OpenAI (ચેટજીપીટી બનાવતી કંપની), ગૂગલ ડીપમાઇન્ડ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ પણ AI સિસ્ટમ પર કામ કરી રહી છે.