દક્ષિણ આફ્રિકાનો આ તોફાની બેટ્સમેન ચેન્નાઈ સુપર કિંગ્સમાં પોતાની ધાક જમાવવા તૈયાર
ફ્રેન્ચાઇઝીએ ગુરજપનીત સિંહની જગ્યાએ આક્રમક આફ્રિકન બેટ્સમેનને ટીમમાં જોડ્યો. T20 ટુર્નામેન્ટની છેલ્લી 6 ઇનિંગ્સમાં એક સદી અને 3 અડધી સદી ફટકારી ચૂક્યો છે.

આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. ખાસ કરીને ચેન્નાઈના બેટ્સમેનો કે જેઓ તેમની લયમાં જ જોવા નથી મળ્યા. ચેન્નાઈના બેટ્સમેનો ઝડપી ગતિથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે અને એમાંય હજુ સુધી કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. એવામાં ચેન્નાઈ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન તરફ નજર કરી છે.
ઋતુરાજ ગાયકવાડની ઈજા બાદ ચેન્નાઈનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીની જગ્યાએ ચેન્નઈએ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સામિલ કર્યો છે. બ્રેવિસના આગમનથી ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે શુક્રવાર, 18 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા બ્રેવિસને ટીમમાં જોડયાની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના આ 21 વર્ષીય યુવા બેટિંગ-ઓલરાઉન્ડરને ઈજાગ્રસ્ત ગુરજપનીત સિંહના સ્થાને લાવવામાં આવ્યો છે. બ્રેવિસની જાહેરાત પહેલાં ચેન્નાઈએ માહિતી આપી હતી કે, અનકેપ્ડ ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
Bringing a whole lot of Protea Firepower! #WhistlePodu #Yellove pic.twitter.com/9seFMWU1fI
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2025
બ્રેવિસની વિસ્ફોટક બેટિંગ CSKમાં સ્થિરતા લાવશે
ફ્રેન્ચાઇઝીએ ગુરજપનીત સિંહની જગ્યાએ આક્રમક ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં ઉમેર્યો છે. દેખાઈ આવે છે કે, ઝડપી બોલરને બદલે બેટ્સમેનને સામેલ કરવા પાછળનું કારણ ચેન્નાઈની નબળી બેટિંગ છે. આ સિઝનમાં, ચેન્નાઈની ટીમ મોટા સ્કોર કરવામાં અને ઝડપી બેટિંગ કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને, ટોપ ઓર્ડરે તો ફેન્સને અને મેનેજમેન્ટને વધુ નિરાશ કર્યા છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈએ બ્રેવિસનો સમાવેશ કર્યો છે, જે T20 ફોર્મેટમાં પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે.
ડેવાલ્ડ બ્રેવિસને તક આપવી જરૂરી
તાજેતરમાં, બ્રેવિસે સાઉથ આફ્રિકાની ડિવિઝન-1 T20 ટુર્નામેન્ટની છેલ્લી 6 ઇનિંગ્સમાં એક સદી અને 3 અડધી સદી ફટકારી છે. પોતાની T20 કારકિર્દીમાં, આ બેટ્સમેને 145ના સ્ટ્રાઇક રેટથી 1787 રન બનાવ્યા છે. બ્રેવિસે 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેની પહેલી સીઝનમાં જ તેણે 7 મેચમાં 142ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા. જોકે, 2023માં તેને તક મળી ન હતી અને 2024માં તે 3 મેચમાં ફક્ત 69 રન બનાવી શક્યો હતો. એવામાં હાલના ફોર્મ પર નજર રાખતા CSKની ટીમ તેને તક આપે તેવી શક્યતાઓ વધુ છે.
