Sunil Chhetri: મેસ્સીની નજીક પહોંચી ગયો ભારતનો ‘મેસ્સી’, સુનિલ છેત્રીના 128 મેચમાં જ 83 ગોલ થઇ ગયા છે
Football : ભારતીય ફુટબોલ (Indian Football Team) ટીમે AFC એશિયન કપ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કંબોડિયા, અફઘાનિસ્તાન સામે જીત મેળવ્યા બાદ હવે 14 જુનના રોજ હોંગકોંગ સામે ટકરાવાનું છે.
ભારતીય ફૂટબોલ ટીમ (Indian Football Team) ના સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) આંતરરાષ્ટ્રીય મેચોમાં ગોલના મામલે વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક આર્જેન્ટિનાના લિયોન મેસી (Lionel Messi) ની નજીક પહોંચી રહ્યા છે. મેસ્સીના હાલમાં 162 આંતરરાષ્ટ્રીય મેચોમાં 86 ગોલ છે. જ્યારે સુનિલ છેત્રીએ 128 મેચમાં 83 ગોલ કર્યા છે અને તે હવે મેસ્સીથી માત્ર ત્રણ ગોલ પાછળ છે. હાલ સુનિલ છેત્રી શાનદાર ફોર્મમાં છે.
કોલકાતામાં ચાલી રહેલા AFC એશિયન કપના ક્વોલિફાઈંગ (Asian Cup 2023) રાઉન્ડની પ્રથમ બે મેચમાં ત્રણ ગોલ કર્યા છે. તેણે કંબોડિયા સામેની પ્રથમ મેચમાં બે અને અફઘાનિસ્તાન સામે એક ગોલ કર્યો હતો. ભારતની આગામી મેચ 14 જૂને હોંગકોંગ સામે છે. જો કે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (189 મેચમાં 117 ગોલ) ના નામે છે.
સુનિલ છેત્રીએ ઘરઆંગણે જ પાકિસ્તાન સામે પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો
સુનિલ છેત્રી (Sunil Chhetri) એ 17 વર્ષ પહેલાં 12 જૂન 2005 ના રોજ માત્ર 20 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ક્વેટાના અય્યુબ નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શાનદાર ગોલ કરીને તે લાંબા રેસનો ઘોડો હોવાનો સંકેત આપ્યો હતો. ભારતીય ટીમની જર્સી પહેરીને સુનિલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપમાં (22 મેચમાં 18 ગોલ) સૌથી વધુ વખત ગોલ કર્યા છે. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરની 19 મેચોમાં તેના નામે 9 ગોલ પણ છે.
સુનિલ છેત્રીએ 2011માં આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી વધુ ગોલ (17 મેચમાં 13 ગોલ) કર્યા છે. તેણે આ વર્ષે અત્યાર સુધી ત્રણ મેચમાં ત્રણ ગોલ કર્યા છે. છેત્રીએ નેપાળ અને માલદીવ (8-8) સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કર્યા છે. તેણે માત્ર છ મેચમાં નેપાળ સામે 12 અને માલદીવ સામે 8 ગોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં છેત્રીએ ત્રણ વખત ગોલની હેટ્રિક નોંધાવી છે.
સિદ્ધિઓથી બહુ ફરક પડતો નથીઃ સુનિલ છેત્રી
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 17 વર્ષ પૂરા કરી ચૂકેલા 37 વર્ષીય છેત્રીએ કહ્યું હતું કે, “સિદ્ધિઓ મારા માટે બહુ મહત્વની નથી. આટલા લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરી શકવા માટે હું સન્માનિત અને ભાગ્યશાળી માનું છું. અમે હોંગકોંગ સામેની છેલ્લી ક્વોલિફાયર જીતવા માટે પણ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. હોંગકોંગ એક મજબૂત ટીમ છે. પરંતુ અમે ઘરઆંગણે રમી રહ્યા છીએ અને અમને ચાહકોનો સંપૂર્ણ સમર્થન છે.