સાંસદ પરિમલ નથવાણીની GSFA ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં પરિમલ નથવાણીને ફરી ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. બીજા હોદ્દેદારોની પણ પુનઃનિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ની 47મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં આજે રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીને ચાર વર્ષ માટે પુનઃ અધ્યક્ષ તરીકે વરણી આપવામાં આવી.
એજીએમમાં જી.એસ.એફ.એ.ના બીજા મુખ્ય હોદ્દાધારીઓની પણ પુનઃવરણી કરવામાં આવી જેમાં માનદ મહામંત્રી તરીકે મૂળરાજસિંહ ચુડાસમા, તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રદીપસિંહ વાઘેલા જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપૂત અને ગુણવંતભાઈ ડેલાવાલાનો સમાવેશ થાય છે. હનીફ જીનવાલાની જગ્યાએ સંદીપ દેસાઈને નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે અંકિત પટેલ માનદ ખજાનચી તરીકે વરણીત થયા હતા.
ટુર્નામેન્ટ, રેકોર્ડ અને એવોર્ડ
અધ્યક્ષ પરિમલ નથવાણીએ જણાવ્યું કે વર્ષ 2024-25 દરમિયાન GSFA દ્વારા કુલ 26 ટુર્નામેન્ટ યોજાયા જેમાં 1168 મેચો રમાઇ અને 6468 ગોલ નોંધાયા. AIFFના CRS અનુસાર ગુજરાતમાં 7400 જેટલા સક્રિય ખેલાડીઓમાંથી 4836એ સ્પર્ધાત્મક ફૂટબોલમાં ભાગ લીધો.
વિશિષ્ટ એવોર્ડ વિજેતાઓ:
-
સર્વાધિક ખેલાડીઓની નોંધણી: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશન
-
શ્રેષ્ઠ જિલ્લા એસોસિયેશન (ટુર્નામેન્ટ આયોજન): સુરત
-
શ્રેષ્ઠ સપોર્ટિવ જિલ્લા: રાજકોટ
-
શ્રેષ્ઠ એક્ટિવ જિલ્લા: ભાવનગર
-
શ્રેષ્ઠ ફૂટબોલ ક્લબ્સ: એ.આર.એ. ફૂટબોલ ક્લબ (અમદાવાદ) અને નવરચના એસ.એ. (વડોદરા)
વ્યક્તિગત શ્રેણી એવોર્ડ્સ:
-
ફૂટબોલ રેફરી ઑફ ધ યર: રચના કામાણી (મહિલા), પ્રતિક બજાજ (પુરુષ)
-
કોચ ઑફ ધ યર: ફેલસીના મીરાન્ડા (મહિલા), સલીમ પઠાણ (પુરુષ)
-
ઈમર્જીંગ પ્લેયર ઑફ ધ યર: નાઝબાનુ શેખ, કિશન સિંહ
-
બેસ્ટ પ્લેયર ઑફ ધ યર: તન્વી માલાણી (મહિલા), અમન શાહ (પુરુષ)
નવા વર્ષ માટે મોટું આયોજન
માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું અને વર્ષના હિસાબોની પણ રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત ફૂટબોલે અનેક સ્તરે નોંધપાત્ર વિકાસ કર્યો છે.
બ્લુ ક્લબ્સ લીગ (બેબી લીગ)
7 થી 12 વર્ષની વયજૂથ માટે પાયાની ફૂટબોલ ટુર્નામેન્ટ – જેમાં રાજ્યના 20 જિલ્લાઓમાંથી 4000થી વધુ બાળકોએ ભાગ લીધો, જે ગુજરાતના ફૂટબોલ ભવિષ્ય માટે આશાજનક સિગ્નલ છે.
AGSમાં નોંધપાત્ર હાજરી
આ બેઠકમાં જી.એસ.એફ.એ.ના તમામ હોદ્દેદારો ઉપરાંત રાજ્યભરના 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.