Football: બ્રિસબેનમાં 12 વર્ષનાં ભારતીય ફુટબોલરની ધર્મ પરત્વેની અડગતા જીતી, કહ્યું મારા માટે સોકર નહી સંપ્રદાય અને ધર્મ પાલન જરૂરી, વાંચો શું થયો વિવાદ
ઓસ્ટ્રેલિયામાં બનેલી આ ઘટનામાં આખરે ફુટબોલ ક્વિસલેન્ડે ખેલાડી અને તેના પરિવાર તેમજ ટીમની માફી માંગી હતી. સાથે જ આ ઘટના અંગે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા (Australia) ના બ્રિસબનમાં માં એક ખેલાડીને ધાર્મિક શ્રદ્ધાને લઇને મેદાનની બહાર બેસવુ પડ્યુ હતુ. ભારતીય મુળના ફુટબોલ ખેલાડી શુભ પટેલ (Shubh Patel) ને સ્વામીનારાયણ (Lord Swaminarayan) ની કંઠી ગળામાં પહેરી રાખવાને લઇ નિરાશ થવુ પડ્યુ હતુ. પરંતુ તેની અડગતાને લઇને તે તેમાં પાર ઉતર્યો હતો. 12 વર્ષીય ફુટબોલર શુભ પટેલ તુલસીના મણકાની બનેલી કંઠીને પોતાના ગળામાં પહેરી રાખે છે. તે કંઠી ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને એકતાની લાગણી દર્શાવે છે. પરંતુ ગળામાં કંઠી હોવાને કારણે તેને ફુટબોલ ના મેદાનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
ફીફા એટલે કે, ફેડરેશન ઇન્ટરનેશનલ ફુટબોલ એસોશિએશન (FIFA) ના નિયમોનુસાર ખેલાડીએ જોખમી ચિજો શરીર પર રમત દરમ્યાન ધારણ કરવી જોઇએ નહી. જેમાં ખાસ કરીને જ્વેલરી ચિજોનો નિર્દેશન કરાવમાં આવ્યો છે. નેકલેસ, રિંગ્સ, બ્રેસલેટ, રિંગ્સ, બ્રેસલેટ, એરિંગ્સ, લેધર બેન્ડ્સ, રબર બેન્ડસનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. જે ચીજોને પ્લેયરે મેદાનમાં ઉતરતા પહેલા કાઢી નાખવી પડે છે.
શુભ પટેલે તેના ગળામાં થી સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યેની શ્રદ્ધાના પ્રતિક સમાન કંઠીને તેણે નહી ઉતારવા અંગે જણાવ્યુ હતુ. પટેલે મેચ રેફરીને કહ્યુ હતુ કે, ધાર્મિકતા સાથે સંકળાયેલ માળાને તે ઉતારી નહી શકે. તેણે કહ્યુ, હું માત્ર ફુટબોલની રમત માટે થઇને મારા ધર્મનુ પાલન કરવાનુ છોડી શકુ નહી. માટે સોકર કરતા ધર્મ પાલન કરવાનુ વધારે પસંદ કરીશ.
કેટલાક વાલીઓએ પણ શુભને મેચમાં રમવા માટે થઇને માળાને ઉતારી દેવા માટે વિનંતી કરી હતી. જોકે તેણે એટલી જ વિનમ્રતાથી તેમને આમ કરવાથી ઇન્કાર કરી દીધો હતો. તેણે મેદાનથી બહાર બેસીને પોતાની ટીમની મેચને નિહાળી હતી. મેદાનની બહાર બેસી રહ્યો અને તેના ટીમ મેટ મેચને રમી રહ્યા હતા.
વિવાદ બાદ ક્વિસલેન્ડે માફી માંગી
કિશોર ફુટબોલ ખેલાડી શુભ અત્યાર સુધીમાં 15 જેટલી મેચ રમી ચુક્યો છે. જે દરમ્યાન તેણે તુલસીની કંઠી પોતાના ગળામાં દરેક વખતે પહેરી રાખી હતી. આ દરમ્યાન તેને તેના કોચ કે ખેલાડીઓ દ્વારા કંઠી ઉતારવાનુ કહેવામાં આવ્યુ નથી. જોકે તેને મેદાનમાં થી બહાર કાઢવાને લઇને તે અસ્વસ્થ થઇ ગયો હતો. તેને બાદમાં હાલમાં ગળામાં ધાર્મિક કંઠી પહેરવા માટે પરવાનગી અપાઇ છે.
વિવાદ બાદ હવે ફુટબોલ ક્વિસલેન્ડ (Football Queensland) દ્રારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમના દ્વારા શુભ પટેલ અને તેના પરિવારની માફી માંગવામાં આવી છે. શુભ જે ક્લબની ટીમનો ખેલાડી છે તે, ટૂવોંગ સોકર ક્લબની પણ માફી માંગવામાં આવી છે. ફુટબોલ ક્વિસલેન્ડ દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતુ કે, ક્વિસલેન્ડમાં ફુટબોલ એક આવકારદાયક રમત છે. જે તમામ સંસ્કૃતીઓ અને ધર્મનો આદર કરે છે.
રવિવારે ઉતરશે મેદાને
આગામી રવિવારે શુભ પટેલની મેચ રમાનારી છે. જેમાં તે ભાગ લેનાર છે. 12 વર્ષીય ફુટબોલ ખેલાડી આ વખતે મેચ થી ચુકી ગયો હતો. પરંતુ હવે ધાર્મિક કંઠી સાથે તે મેદાનમાં રવિવારે ઉતરીને પોતાનો દમ દેખાડવા માટે પ્રયાસ કરશે. આ સાથે જ તેના મન પર થી નિરાશાઓ પણ હટી જશે, તેવી આશા છે.