Breaking News : ભારતની દીકરીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર કોઈ ભારતીય મહિલા ખેલાડી ચેસ વર્લ્ડ કપમાં બની ચેમ્પિયન
ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની દિગ્ગજ ચેસ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિવ્યાએ ગયા વર્ષે જુનિયર ગર્લ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી અને ત્યારબાદ ભારતને ચેસ ઓલિમ્પિયાડ ટાઈટલ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો હતો. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. આ સાથે, તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી બની હતી. ગયા વર્ષે જ, દિવ્યાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને હવે તે મહિલા ચેસ વર્લ્ડ કપની ચેમ્પિયન પણ બની છે. આ ખિતાબ જીતવાની સાથે, તે હવે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે.
દિવ્યા દેશમુખ ચેસ વર્લ્ડ કપમાં ચેમ્પિયન
છેલ્લા 3 અઠવાડિયાથી જ્યોર્જિયાના બાટુમીમાં મહિલા ચેસ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હતો, જ્યાં દિવ્યા દેશમુખે ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. તેના પછી, ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ પણ ફાઈનલમાં પહોંચીને આ ટાઈટલ મેચને ખાસ બનાવી હતી. આ સાથે જ ટાઈટલ ભારતીય જ જીતશે અને પહેલીવાર કોઈ ભારતીય મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન બનશે તે નક્કી થયું. પરંતુ આ વખતે યુવા ખેલાડી સામે અનુભવી ખેલાડી હારી ગઈ.
ટાઈ-બ્રેકમાં જીત મેળવી
દિવ્યા અને કોનેરુ પહેલીવાર 26 જુલાઈ, શનિવારના રોજ ફાઈનલમાં ટકરાયા હતા, જ્યાં 19 વર્ષીય દિવ્યા માસ્ટર ટાઈટલ જીતવાની નજીક દેખાતી હતી. પરંતુ છેલ્લી ક્ષણે તેણીએ ભૂલ કરી અને કોનેરુએ વાપસી કરી અને મેચ ડ્રો કરાવી. પછી રવિવારે બંને ફરી ટકરાયા અને આ વખતે પણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. આવી સ્થિતિમાં, ચેમ્પિયન નક્કી કરવા માટે ટાઈ-બ્રેકનો સમય આવ્યો. ફાઈનલની પ્રથમ બે મેચ ક્લાસિકલ ફોર્મેટમાં રમાઈ હતી પરંતુ ટાઈ-બ્રેક રેપિડ ફોર્મેટમાં રમવાની હતી અને અહીં 38 વર્ષીય કોનેરુ તેની જુનિયર કરતા વધુ મજબૂત હતી કારણ કે આ ફોર્મેટમાં તે દિવ્યા કરતા વધુ સારી ખેલાડી છે.
ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
પરંતુ સોમવાર, 28 જુલાઈના રોજ ટાઈ-બ્રેકમાં ટર્નિંગ પોઈન્ટ આવો. દિવ્યાએ તેનાથી બમણી ઉંમરની કોનેરુને તેની જ રમતમાં ફસાવી અને તેને ભૂલો કરવા મજબૂર કરી. અંતે, દિવ્યાએ ટાઈ-બ્રેક જીતીને ટાઈટલ જીત્યું. માત્ર 19 વર્ષની ઉંમરે, તે આ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. એટલું જ નહીં, હવે તે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બનશે. તેણે ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટરને હરાવીને આ સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો: IND vs ENG : માન્ચેસ્ટરમાં જીત ન મળતા ઈંગ્લેન્ડે બદલી ટીમ, 3 વર્ષ બાદ આ ખેલાડીનું કમબેક
