રહેવાનું ભારતમાં, રમવાનું પણ ભારતમાં, પરંતુ ગુણગાન ગાવાના પેલેસ્ટાઈનના ! વિવાદ સર્જાતા ક્રિકેટર પર લદાયો પ્રતિબંધ
જમ્મુ ખાતે, જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ (JKPL) મેચ રમાઈ રહેલ છે. આ મેચ દરમિયાન, ક્રિકેટર ફુરકાન ભટને, તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ પ્રદર્શીત કરવા બદલ ગંભીર પરિણામોનો સામનો કરવો પડ્યો. આ ઘટના બાદ, ક્રિકેટર ફુરકાન ભટ પર નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે.

જમ્મુમાં રમાઈ રહેલ જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ (JKPL) કોઈ પરિણામ કે મેચને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર એક મોટા વિવાદમાં સપડાઈ છે. જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ મેચ દરમિયાન, ક્રિકેટર ફુરકાન ભટે તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ દર્શાવ્યો હતો. આ ઘટના બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને ફુરકાન ભટને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે પ્રારંભિક તપાસ અને પૂછપરછ પછી, ફુરકાન ભટને મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, ટીમના આયોજક ઝાહિદ ભટ આ ઘટનાથી અજાણ હતા. આયોજકે ફોન કોલ દ્વારા પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફુરકાન ભટને લીગ મેચમાં ભવિષ્યમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સ ફુરકાનને ટેકો આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેનો ભારે વિરોધ કરી રહ્યા છે.
પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવવા પાછળનો હેતુ શું હતો?
જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ દરમિયાન જમ્મુના કેસી સ્પોર્ટ્સ ક્લબમાં એક મેચ યોજાઈ હતી. ક્રિકેટર ફુરકાન ભટ આ મેચમાં જ્યારે બેંટિગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તેણે પહેરેલા હેલ્મેટ પર પેલેસ્ટિનિયન ધ્વજનું સ્ટીકર લગાવેલુ હતું. અને તે હેલ્મેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવેલ સ્ટીકર સાથે જ મેચ રમી રહ્યો હતો. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે, ભારે હોબાળો મચી ગયો. જમ્મુ અને કાશ્મીર પોલીસે ફુરકાન ભટને પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસ મેચ દરમિયાન આવા પ્રતીકનો ઉપયોગ કરવા પાછળનો હેતુ અને આયોજકો પાસેથી પરવાનગી લેવામાં આવી હતી કે કેમ તે અંગે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ક્રિકેટર ફુરકાન ભટ કોણ છે?
જમ્મુ અને કાશ્મીરનો યુવા ક્રિકેટર ફુરકાન ભટ એક સ્થાનિક ક્રિકેટર છે. જે જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગમાં રમે છે. આ લીગ કાશ્મીર ખીણમાં ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવા માટે એક સ્થાનિક ટુર્નામેન્ટ છે, જ્યાં યુવા પ્રતિભાઓ તેમની ખેલ કુશળતા દર્શાવે છે. ફુરકાન એવા યુવાન કાશ્મીરીઓમાંનો એક છે જે પડકારજનક પરિસ્થિતિઓ છતાં ક્રિકેટને પોતાના જુસ્સા તરીકે જુએ છે. વિવાદ બાદ, ફુરકાનની કારકિર્દી પર રોક લગાવવામાં આવી છે. દરમિયાન, પોલીસ જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગના આયોજક ઝાહિદ ભટની પૂછપરછ કરી રહી છે.
તપાસ પૂર્ણ થયા પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે
તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલા અંગે પોતાની રીતે કામ કરી રહી છે. તેઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લીગ દરમિયાન નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, અને શું આવી પ્રવૃત્તિઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ શકે છે. સૂત્રો કહે છે કે આ મામલાની સંવેદનશીલ પ્રકૃતિને કારણે, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલમાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચોઃ 7 કરોડ રૂપિયાના ઓલરાઉન્ડરે એવો બોલ ફેંક્યો કે, લોકો વારંવાર જુએ છે આ Video