Asia Cup 2024 Final: ભારતને હરાવી શ્રીલંકા પ્રથમ વાર એશિયા કપ વિજેતા, હર્ષિતા અને અટ્ટાપટ્ટુની અડધી સદી
India vs Sri Lanka Womens Asia Cup 2024 Final: ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 165 રન નોંધાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી નોંધાવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2024 ની ફાઈનલ મેચ રમાઈ હતી. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં યજમાન ટીમનો જુસ્સો પણ પ્રથમ વાર એશિયા કપ પર કબ્જો કરવાની આશા સાથે જબરદસ્ત જોવા મળી રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમ 8મી વાર એશિયા કપ ચેમ્પિયન બનવા માટે મેદાને ઉતરી હતી. ઓપનર સમૃતિ મંધાનાની મદદ વડે ભારતે પ્રથમ બેટિંગ કરતા 166 રનનું લક્ષ્ય શ્રીલંકા સામે 6 વિકેટના નુકસાન પર રાખ્યું હતુ. જવાબમાં શ્રીલંકન ટીમે અંતિમ ઓવરમાં લક્ષ્ય પાર કરી લીધું હતું, સુકાની અટ્ટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદી નોંધાવી હતી. આમ 8 વિકેટથી શ્રીલંકાએ જીત મેળવીને પ્રથમ વાર એશિયા કપ વિજેતા બન્યું હતુ.
જવાબમાં શ્રીલંકન ટીમે શરુઆત સારી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજી ઓવરમાં જ શ્રીલંકાની ઓપનિંગ જોડી તૂટી ગઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે આ મોકો ઝડપવાનો પ્રયાસ કર્યો હતો અને શ્રીલંકાની ટીમને દબાણમાં રાખવા માટે પ્રયાસ કર્યો હતો.
સુકાની અટ્ટાપટ્ટુ અને હર્ષિતાની અડધી સદી
જોકે ઓપનર ચમારી અટ્ટાપટ્ટુએ ભારતીય બોલર્સના દબાણને હળવું કરવા માટે પ્રયાસ કરતી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ કરતા આગળની ઓવરમાં અટ્ટાપટ્ટુએ પ્રથમ અને અંતિમ બોલ પર એમ બે ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે ભારતીય બોલર પૂજા વસ્ત્રાકરે દબાણ સર્જતી બોલિંગ કરી હતી. તેણે શરુઆતમાં બે ઓવર કરીને માત્ર 6 રન આપ્યા હતા.
શ્રીલંકન ટીમની સુકાની ચમારી અટ્ટાપટ્ટુએ અડધી સદી નોંધાવી હતી. તેણે 43 બોલનો સામનો કરીને 61 રન નોંધાવ્યા હતા. ચમારીએ 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ચમારીની રમતે જ મેચને રોમાંચક બનાવી હતી. ચમારીને આઉટ કરવામાં આખરે દિપ્તી શર્માને સફળતા 12મી ઓવરમાં મળી હતી. દિપ્તીએ ચમારીનું લેગ સ્ટંપ ઉખાડીને ક્લીન બોલ્ડ કરી હતી. હર્ષિતાએ 51 બોલમાં અણનમ 69 રન 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્ચા હતા.
બીજી ઓવરમાં જ શ્રીલંકાની ઓપનિંગ જોડી તોડવામાં ભારતીય ટીમને સફળતા મળી હતી. વસ્ત્રાકરના ફૂલ બોલને ઓન સાઈડ ફટકારીને ઝડપથી ઓપનર વિશ્મી ગુણારત્ને રન લેવા માટે દોડી ગઈ હતી. સામે છેડે રહેલી ઓપનર ચમારી અટ્ટાપટ્ટુ પોતાના સ્થાન પર જ રહી હતી. આ મોકાનો ફાયદો ઉઠાવતા ફિલ્ડર ઉમા છેત્રીએ બોલ લઈને સીધો જ વિકેટકીપર રિચા ઘોષ તરફ ફેંક્યો હતો. આમ છેત્રી અને રિચાએ ઓપનર વિશ્મીનો ખેલ ખતમ કરી દેતા 1 રન નોંધાવીને પરત ફરી હતી.