રનોના ઢગલા વચ્ચે ઇંગ્લેન્ડના ધાકડ બેટ્સમેને સદી ફટકારીને કોહલી, રૂટને પાછળ છોડ્યા
ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ સદી ફટકારીને ટેસ્ટના 'FAB-4'ને પછાડ્યા છે. નંબર-3 પર બેટિંગ કરવા આવેલ ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેને સદી ફટકારીને એક ગજબ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ઝિમ્બાબ્વે સામે ઓલી પોપ નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. ઓલી પોપે 166 બોલમાં 24 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી કુલ 171 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં ઓલી પોપની આ 8મી સદી છે. ઓલી પોપે આ સદી ફટકારતાની સાથે જ એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે નોંધી કાઢ્યો છે.
ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી કાઢ્યો છે. ઓલી પોપે ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં સદી ફટકારીને એક એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે અગાઉ બીજા કોઈ બેટ્સમેને હાંસલ કરી નથી.
ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ નિર્ણય ઝિમ્બાબ્વેને જ ભારે જ પડ્યો હતો. ઇંગ્લેન્ડના ત્રણ ટોચના ક્રમના બેટ્સમેનોએ સદી ફટકારી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. જણાવી દઈએ કે, ઝેક ક્રોલી, બેન ડકેટ અને ઓલી પોપની સદીની મદદથી ઇંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ 565 રન પર ડિક્લેર કર્યો હતો.
ઓલી પોપે પોતાની 8મી ટેસ્ટ સદી ફટકારી
આ ઓલી પોપની 8મી ટેસ્ટ સદી હતી. આ સદી સાથે પોપે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાત એમ છે કે, પોપની દરેક ટેસ્ટ સદી અલગ અલગ ટીમો સામે આવી છે. તે પોતાની પ્રથમ 8 ટેસ્ટ સદી અલગ અલગ ટીમો સામે ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે. ઓલી પોપે 55 ટેસ્ટમાં મેચમાં 3,301 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 15 અડધી સદીનો સમાવેશ થાય છે.
2018માં ડેબ્યૂ
ઓલી પોપે 2018માં પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને 2020માં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 135 રન બનાવી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે પણ સદી ફટકારી હતી. જો ઓલી પોપ આવનારી એશિઝ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પણ સદી મારે છે, તો તે 9 જુદી જુદી આંતરરાષ્ટ્રીય ટીમો સામે ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ઇંગ્લિશ બેટ્સમેન બનશે.

