Yashasvi Jaiswal Century: યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં નોંધાવેલી સદી કોને ડેડિકેટ કરી? ઈમોશનલ થયો ઓપનર-Video
IND vs WI 1st Test: ડોમિનિકામાં ભારતીય ટીમના ઓપનર તરીકે ડેબ્યૂ મેચ રમતા યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી છે. જયસ્વારની આ ઈનીંગ ઐતિહાસિક રહી છે અને તે ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધારે રન નોંધાવનારો ભારતીય બેટર બન્યો છે.
ડોમિનિકામાં ડેબ્યૂટન્ટે ધમાલ મચાવી દીધી છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝની હાલત પ્રથમ ટેસ્ટમાં જ ખરાબ કરી દીધી છે. ભારતીય ટીમના નવા ઓપનર તરીકે રમતમાં ઉતરતા જ યશસ્વી જયસ્વાલે શાનદાર ઈનીંગ રમી છે. કેપ્ટન અને અનુભવીર બેટર રોહિત શર્મા સાથે મળીને જયસ્વાલે 229 રનની ભાગીદારી રમત રમી હતી. જયસ્વાલ બીજા દિવસની રમતના અંત સુધીમાં 143 રન સાથે નોટ આઉટ રહ્યો હતો. હવે સૌની નજર જયસ્વાલની બેવડી સદી પર છે. યશસ્વી જયસ્વાલે બીજા દિવસની રમત બાદ પોતાની સદીને પોતાના માતા-પિતાને ડેડિકેટ કરી છે.
ભારત સામે પ્રથમ ઈનીંગમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 150 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. આમ ભારતે ટોસ હારીને પ્રથમ ઈનીંગ રમતા વિશાળ લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે બીજા દિવસની રમતના અંતે 312 રનનો સ્કોર 2 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો છે. ભારતીય ટીમે 162 રનની લીડ મેળવી લીધી છે. આમ હવે ત્રીજા દિવસે ભારત વિશાળ સ્કોર ખડકવાના ઈરાદે રમત રમશે અને વેસ્ટ ઈન્ડિઝને ઘર આંગણે વધારે મુશ્કેલીમાં મુકી દેશે.
માતા-પિતાને ડેડિકેટ કરી સદી
ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં બતાવ્યુ છે કે, યશસ્વી જયસ્વાલ તેના માતા અને પિતાને પોતાની ટેસ્ટ ડેબ્યૂ સદી અર્પણ કરી છે. જયસ્વાલ કહે છે, “હું ખૂબ ઈમોશનલ હતો. મારા માટે, મારા પરિવાર માટે, એ તમામ લોકો માટે જેઓએ મને દરેક રીતે સપોર્ટ કર્યો છે. આ ખૂબ જ લાંબી સફર રહી છે મારી. હું સૌને થેંક યુ કહવા માંગીશ જેઓએ મારી દરેક જગ્યાએ મદદ કરી છે. હું આ મારા માતા-પિતાને ડેડિકેટ કરવા માંગીશ કારણ કે તેઓનુ ખૂબ જ મોટુ યોગદાન રહ્યુ છે મારા જીવનમાં. વધારે કંઈ કહેવા નહીં માંગુ, બસ ખુશ છું હું. આ તો બસ શરુઆત છે, આગળ પણ કરવાનુ છે.”
A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt
— BCCI (@BCCI) July 14, 2023
જયસ્વાલની ઐતિહાસિક સદી
મોકો મળતા જ જયસ્વાલે ખુદને સાબિત કરી દીધો છે. તે લાંબો સમય ક્રિઝ પર રહીને મોટી ઈનીંગ ડેબ્યૂ મેચમાં રમ્યો છે. જયસ્વાલની સદીની ખાસ વાતો પર નજર કરવામાં આવે તો, તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી દીધો છે. અઝહરે ટેસ્ટ ડેબ્યૂ કરતા વર્ષ 1984માં 110 રનની ઈનીંગ રમતા 322 બોલનો સામનો કર્યો છે. સૌથી વધારે બોલનો સામનો ડેબ્યૂ મેચમાં કરવાનો રેકોર્ડ હવે જયસ્વાલને નામ છે. તેણે 350 બોલનો સામનો કર્યો છે અને તે હજુ પણ રમતમાં છે.
Maidaan ➡️ Maiden Test 50* @ybj_19 has arrived! .
.#WIvIND #INDvWIonFanCode pic.twitter.com/CSYGdDh2xA
— FanCode (@FanCode) July 13, 2023
સૌરવ ગાંગુલીને પણ પાછળ છોડતા જયસ્વાલે પોતાના નામે રેકોર્ડ નોંધાવ્યો છે. ટેસ્ટ ડેબ્યૂ મેચમાં ભારત તરફથી રમતા સૌથી વધારે રન નોંધાવનારો બેટર યશસ્વી જયસ્વાલ બન્યો છે. જયસ્વાલ 143 રન નોંધાવી રમતમાં છે. આ પહેલા સૌરવ ગાંગુલીના નામે આ રેકોર્ડ હતો. ગાંગુલીએ ટેસ્ટ ડેબ્યૂ મેચમાં 131 રન ઈંગ્લેન્ડ સામે નોંધાવ્યા હતા. જયસ્વાલ એવો પ્રથમ ભારતીય ડેબ્યૂટન્ટ બન્યો છે કે જેણે ભારત બહાર પ્રથમ મેચમાં જ ઓપનર તરીકે સદી નોંધાવી છે.