WTC Final મેચ ડ્રો જવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન? ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શુ છે નિયમ
WTC Final 2023 ને લઈ ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ અંતિમ તબક્કાની પૂરી તૈયારીઓ કરીને તમામ ખામીઓ દૂર કરવા મહેનત કરી રહ્યા છે. 2 વર્ષની લાંબી સફર બાદ હવે ચેમ્પિયન નક્કી થવાની ઘડી આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2023) ની ફાઈનલ મેચની ટક્કર થનારી છે. બંને ટીમો જબરદસ્ત તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ પણ મજબૂત ઈરાદા સાથે લંડન પહોંચ્યા છે. ટીમની સામે આઈસીસી ટ્રોફી પોતાના નામે કરવાનો ફરી મોકો સામે આવ્યો છે. 10 વર્ષથી ભારતીય ક્રિકેટ ચાહકો તેનો ઈંતઝાર કરી રહ્યા છે. પરંતુ ટેસ્ટ મેચમાં મોટે ભાગે મેચ ડ્રો છૂટી જતી હોય છે. ફાઈનલ મેચમાં જ આવી સ્થિતી સર્જાય તો શુ થાય. બે વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી, એ ચેમ્પિયન કોણ હોઈ શકે. આવી સ્થિતીમાં કોણ ચેમ્પિયન બની શકે છે? આ સવાલ જરુર થતો હશે.
હાલમાં બંને ટીમો ભરપૂર તૈયારીઓ કરી રહી છે. ફાઈનલ આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બચ્યા છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને ના ખેલાડીઓ ફાઈનલ પહેલા ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. નેટમાં બોલર્સ અને બેટર્સ ખૂબ બારીકાઈથી રમતમાં ખામીઓની કચાસ દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આમ સખત મહેનત બાદ પણ મેચ ડ્રો જાય અથવા વરસાદ કે અન્ય કારણોસર મેચ રદ થાય તો ખેલાડીઓ અને ચાહકો બંનેને માટે નિરાશાઓ છવાઈ જાય.
ડ્રો થવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન?
બંને ટીમો મેચને પોતાના નામે કરી લેવા માટે ઓવલના મેદાનમાં પુરો દમ લગાવી દેશે. પાંચ દિવસની રમતમાં પોતાનુ શ્રેષ્ઠ યોગદાન ખેલાડીઓ પુરુ પાડવાનો પ્રયાસ કરશે, જેથી મેચનુ પરિણામ સામે આવે અને ચેમ્પિયન ટીમ દુનિયાને મળે. આમ છતાં ટેસ્ટ મેચમાં હાર અને જીત પરિણામ કરતા ડ્રો પર જ મેચ છૂટવાનુ ખૂબ બનતુ આવ્યુ છે. સમય સમાપ્ત થવા સાથે જ મેચ પણ સમાપ્ત થઈ જતી હોય છે. આવી સ્થિતીમાં ટેસ્ટની સૌથી મહત્વની મેચના અંતે ચેમ્પિયન ટીમ કઈ માનવામાં આવી શકે એ સવાલ છે.
આ વાતનો જવાબ અહીં જ છે. ICC એ પહેલાથી જ આ સ્થિતીને ધ્યાને રાખીને પહેલાથી જ આ માટેનો નિયમ છે. આ નિયમ મુજબ ફાઈનલ મેચ ડ્રો થવાની સ્થિતીમાં સંયુક્ત ચેમ્પિયન જાહેર કરવામાં આવી શકે છે. પોઈન્ટ્સ ટેબલમાં કઈ ટીમ ટોપ પર છે, એ અહીં જોવામાં આવનાર નથી. ડ્રોની સ્થિતીમાં બંને ટીમ સંયુક્ત ચેમ્પિયન માનવામાં આવશે. આમ બે વર્ષની ચાહકોની રાહ બાદ સંયુક્ત ચેમ્પિયન જોવા મળી શકે છે. આ માટે જ ભારત અને ઓસ્ટ્રેલિયાએ મેચના પરિણામ માટે પૂરો દમ દેખાડવો પડશે.
રિઝર્વ ડે ઉપલબ્ધ
ટેસ્ટ ક્રિકેટની મહત્વની મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આ દિવસનો ઉપયોગ વરસાદ કે અન્ય રીતે ઓવર્સ અને પ્લેઈંગ ટાઈમમાં નુક્શાન થવાની સ્થિતીમાં થશે. આમ રિઝર્વ ડેના દિવસે પણ પરિણામ નથી આવતુ અને મેચ ડ્રો રહે છે, તો બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે.