
ગઈકાલ રવિવારે સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ, ચાર વિકેટ ગુમાવીને 240 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પાંચ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 222 રન જ બનાવી શકી હતી. આમ 18 રને મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય થયો હતો.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને ઝંઝાવાતી બેંટિગ કરવામાં નામના કમાઈ ચૂકેલા ફાક ટુ પ્લેસિસે, મુંબઈ ઈન્ડિયન્સને જસપ્રીત બુમરાહ પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા સલાહ આપી છે. જો મુંબઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સફળતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે, તો બોલિંગમાં જસપ્રિત બુમરાહ ઉપર વધુ પડતી નિર્ભરતા ઓછી કરવી પડશે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો અત્યાર સુધીનો ઈતિહાસ રહ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સ સામાન્ય રીતે ધીમી શરૂઆત કરે છે અને પછીથી તે ટોચ પર પહોચે છે. જ્યારે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ જીત્યા, ત્યાર બાદ સતત ત્રણ મેચ હારી ગયુ છે.
મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, MIના ટ્રમ્પ કાર્ડ તરીકે બોલિગ કરે છે. જોકે, અત્યાર સુધીની ચાર મેચોમાં, હજુ સુધી એક પણ વિકેટ બુમરાહે લીધી નથી. ફાક ડુ પ્લેસિસ માને છે કે, મુંબઈ ઈન્ડિયન્સે ફક્ત બુમરાહની ચાર ઓવરથી પણ આગળ વિચારવાની જરૂર છે. સાથે સાથે આ દિગ્ગજ ઝડપી બોલરનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે.
ક્રિકેટ મેચનુ લાઈવ ટેલિકાસ્ટ કરતા સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં, ફાક ડુ પ્લેસિસે કહ્યું, “ખાસ કરીને વધુ સ્કોરવાળી મેચોમાં, તમારે એ નક્કી કરવું પડશે કે બુમરાહના ચાર ઓવર સિવાય અન્ય બોલરો કેટલા રન આપી રહ્યા છે. બુમરાહ સામાન્ય રીતે ખૂબ જ ઓછા રન આપે છે. મુંબઈ ઈન્ડિયન્સે બોલિગ બાબતે મુદ્દાનો ઉકેલ શોધવાની તાકીદે જરૂર છે.”
ફાક ડુ પ્લેસિસે ઉમેર્યું, “મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહની ક્ષમતાઓમાંથી મહત્તમ મૂલ્ય મેળવવા માટે નિર્ણાયક ક્ષણોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ; જોકે, મજબૂત બેટિંગ લાઇનઅપના વર્ચસ્વને જોતાં, આ સરળ કાર્ય નહીં રહે. તેઓએ તેમની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.”
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર માને છે કે, મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લે તબક્કા દરમિયાન બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં તેમના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. ગાવસ્કરે ગઈકાલ આરસીબી સામેની મેચ અંગે નિષ્ણાંત તરીકેની ટિપ્પણી કરતા કહ્યું કે, “જીત માટે જરૂરી રન રેટ સાથે તાલમેલ રાખવા માટે, મુંબઈને પાવરપ્લે દરમિયાન ઓછામાં ઓછા 12 રન વધુ બનાવવાની જરૂર હતી, પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા. સ્ટ્રાઈક રોટેશન કરવા છતાં, જીતવા માટેનો રન રેટ વધતો રહ્યો. આ એક એવી બાબત છે જ્યા મુંબઈએ ધ્યાન રાખવાનું છે.”
રવિવારની મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા RCB એ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારની અડધી સદીની મદદથી 4 વિકેટ ગુમાવીને કુલ 240 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહ ફરી એકવાર આ મેચમાં પોતાનું વિકેટનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયો છે. જોકે તે ચોક્કસપણે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી કરકસરયુક્ત બોલર સાબિત થયો છે. બુમરાહએ પોતાની 4 ઓવરમાં માત્ર 35 રન આપ્યા હતા. જેમાં તેણે 7 ડોટ બોલ પણ ફેંક્યા હતા.