T20 World Cup: વેસ્ટઇન્ડિઝને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાં અભિયાનનો પ્રારંભ કરતા પહેલા જ આ સ્ટાર ખેલાડી થઇ ગયો બહાર
વેસ્ટ ઇન્ડીઝ (West Indies) એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. તેણે છેલ્લી વખત વર્ષ 2016 માં ભારતમાં યોજાયેલા ટી 20 વર્લ્ડ કપમાં પણ જીત મેળવી હતી.
T20 વર્લ્ડકપ (T20 World Cup 2021) માં અભિયાનની શરૂઆત પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ (West Indies) ને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ પોતાના સાથીઓને છોડીને દેશ પરત ફરી રહ્યો છે. ઓલરાઉન્ડર ફેબિયન એલન (Fabian Allen) T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ભાગ રહેશે નહીં. પગની એડીની ઈજાને કારણે વિન્ડીઝનો આ દિગ્ગજ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એલન IPL ના સમયથી જ તેના જમણા પગની એડીમાં તકલીફ અનુભવી રહ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝે તેની જગ્યાએ ડાબા હાથના સ્પિન બોલર અકીલ હુસૈનને લીધો છે, જે ટીમના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો. બીજી બાજુ, સ્પિનર ગુડકેશ મોતીને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં UAE માટે રવાના થશે અને છ દિવસના ક્વોરન્ટાઇન પછી ટીમમાં જોડાશે. હુસૈને પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી નવ વનડે અને છ T20 મેચ રમી છે. તેને ટીમમાં સામેલ કરવા માટે વેસ્ટ ઈન્ડિઝે ટેકનિકલ કમિટીની પરવાનગીની રાહ જોવી પડશે. આ પછી પણ હુસૈન સત્તાવાર રીતે ટીમમાં જોડાઈ શકશે.
ફેબિયન ટીમ માટે ખૂબ મહત્વનો હતો
વેસ્ટ ઇન્ડીઝની ટીમ શનિવારે ઇંગ્લેન્ડ સામેની મેચથી અભિયાનની શરૂઆત કરશે. વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય પસંદગીકાર રોજર હાર્પરે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે ફેબિયન વર્લ્ડ કપ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. જો તે ટીમની બહાર હોય તો અલબત્ત તે ખૂબ જ દુ:ખી થશે. ટીમ તેને ચૂકી જશે. અમે આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ થયા પછી પાછો આવશે. જેથી તે વિશ્વકપ પછીની શ્રેણીમાં ભાગ લઈ શકે.