હરભજન-યુવરાજ-રૈનાને વીડિયો બનાવવો ભારે પડ્યો, દિલ્હીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
ઈંગ્લેન્ડમાં ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોની ટીમને હરાવીને ટાઈટલ જીત્યા બાદ હરભજન સિંહ સહિત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોની ટીમે અલગ અલગ રીતે ઉજવણી કરી હતી.. આમાં હરભજન, યુવરાજ, રૈના સહિત કેટલાક ખેલાડીઓએ એક વીડિયો બનાવ્યો હતો, જે હવે તેમના માટે સમસ્યા બની ગયો છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના ફરી એકવાર વિવાદમાં છે. થોડા દિવસો પહેલા જ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીતવાના આ મહાન ખેલાડીઓનો આનંદ હવે ઓસરવા લાગ્યો છે. આનું કારણ તેઓ પોતે જ છે.
હરભજને સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો
ટૂર્નામેન્ટમાં ટાઈટલ જીત્યા બાદ સેલિબ્રેશન કરવું સ્વાભાવિક છે, પરંતુ હરભજન સિંહે સેલિબ્રેશનનો આવો વીડિયો પોસ્ટ કર્યો હતો, જે હવે હંગામાનું કારણ બની ગયો છે. આ વીડિયોમાં હરભજન, યુવરાજ સિંહ, રૈના અને ગુરકીરત માન પર અપંગ લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ચારેય પૂર્વ ક્રિકેટરો વિરુદ્ધ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિકલાંગ લોકોની મજાક ઉડાવી
શનિવાર, 13 જુલાઈના રોજ, બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટકરાયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટરોને સાંકળતી આ ટુર્નામેન્ટમાં, ભારતીય ટીમનું નેતૃત્વ હરભજન સિંહ કરી રહ્યા હતા અને ભારતીય ચેમ્પિયન્સે 5 વિકેટે ખિતાબ જીત્યો હતો. ખેલાડીઓ અલગ-અલગ રીતે આ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને આ પ્રયાસમાં હરભજન, યુવરાજ, રૈના અને ગુરકીરતે એક વીડિયો બનાવ્યો જેમાં તેઓ લંગડાતા અને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી રહ્યા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તૌબા-તૌબા’ ગીત વાગી રહ્યું હતું અને હરભજને કેપ્શનમાં લખ્યું હતું – 15 દિવસ સુધી લિજેન્ડ્સ ક્રિકેટ રમ્યા બાદ મારું શરીર થાકી ગયું હતું.
પોલીસમાં નોંધાઈ ફરિયાદ
આ વીડિયોએ વિકલાંગ સમુદાયને નારાજ કર્યો અને કોમેન્ટમાં તેમની ટીકા થઈ. ભારતની પ્રખ્યાત પેરા એથ્લેટ માનસી જોશીએ આ ખેલાડીઓને ફટકાર લગાવતા કહ્યું કે પોલિયોથી પીડિત વિકલાંગ લોકોની આ રીતે મજાક ઉડાવવી એ સારી વાત નથી. આ સિવાય ભારતીય પેરાલિમ્પિક સંઘે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો. હવે આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ’ (NCPEDP) એ ચાર ક્રિકેટરો વિરુદ્ધ નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા સામે પણ આવો વીડિયો પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો સાયબર સેલને સોંપવામાં આવશે.
હરભજને માફી માંગી, વીડિયો ડિલીટ કર્યો
વીડિયોને લઈને હંગામો થયા બાદ હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જારી કરીને માફી માંગી હતી. હરભજને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેનો કે તેના સાથીદારોનો વિકલાંગોની મજાક ઉડાવવાનો કોઈ ઈરાદો નથી. હરભજને કહ્યું કે તે માત્ર એટલું જ કહેવા માંગતો હતો કે સતત ક્રિકેટ રમ્યા બાદ તેનું શરીર આવું બની ગયું છે. હરભજને એમ પણ કહ્યું કે જો તેના વીડિયોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તે તેના માટે માફી માંગે છે. આટલું જ નહીં, વિવાદ વધ્યા બાદ હરભજને આ વીડિયો ડિલીટ પણ કરી દીધો હતો. આ વીડિયો માટે સુરેશ રૈનાએ પણ માફી માંગી છે.
આ પણ વાંચો: Champions Trophy 2025: પાકિસ્તાનની નવી ચાલ, ભારત પાસે લેખિતમાં માંગ્યો જવાબ