વિરાટ કોહલીએ ગણેશ મહોત્સવના શુભ સમયે અલિબાગમાં 8 એકર જમીન ખરીદી, બનાવશે વિશાળ ફાર્મ હાઉસ
વિરાટ કોહલી (Virat Kohli) હાલ દુબઈમાં એશિયા કપ રમી રહ્યો છે. તે છ મહિના પહેલા જ જમીનને પસંદ કરવા માટે અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે ગયો હતો. તેના માટે ભાઈ વિકાસ કોહલીએ આ ડીલ પૂરી કરી.

વિરાટ કોહલી (Virat Kohli) દિલ્હીની ગલી છોડીને મુંબઈ ગયો હતો. હવે ગણેશ ઉત્સવ (GaneshMahotsav) નિમિત્તે અલીબાગકર થઈ ગયો છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા એટલે કે 30 ઓગસ્ટ (મંગળવારે) વિરાટ કોહલી વતી તેમના ભાઈ વિકાસ કોહલીએ મુંબઈને અડીને આવેલા અલીબાગ વિસ્તારમાં 8 એકર જમીન ખરીદી છે. આ જમીન અલીબાગના જીરાદ નામના વિસ્તારમાં લેવામાં આવી છે. અહીં વિરાટ કોહલી એક આલીશાન ફાર્મ હાઉસ તૈયાર કરવાનો છે. વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, અજીત અગરકર, રોહિત શર્મા (Rohit Sharma) પણ અલીબાગમાં જમીન લઈ ચૂક્યા છે.
અલીબાગ મુંબઈને અડીને આવેલો વિસ્તાર છે જ્યાં કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અહીં પોતાનું બીજું ઘર બનાવે છે. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને પણ તેમના ફાર્મ હાઉસ માટે આ જગ્યા ઘણી પસંદ આવી છે.
ભાઈ વિકાસે વિરાટની રજિસ્ટ્રી કરાવી લીધી
વિરાટ કોહલી હાલ દુબઈમાં એશિયા કપ રમી રહ્યો છે. તે છ મહિના પહેલા જ જમીનને પસંદ કરવા માટે અનુષ્કા શર્મા સાથે ગયો હતો. આથી તેની ગેરહાજરીમાં પાવર ઓફ એટર્ની લઈને તેમના ભાઈ વિકાસ કોહલીએ 19 કરોડ 24 લાખ 50 હજારમાં સોદો કરાવ્યો અને મંગળવારે 1 કરોડ 15 લાખ 45 હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરીને જમીન વિરાટ કોહલીના નામે કરાવી લીધી છે. આ સમગ્ર કરાર સમીરા હેબિટેટ્સ નામની રિયલ એસ્ટેટ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.
સચિન અને રોહિત શર્માની જેમ વિરાટ પણ અલીબાગ પહોંચ્યો
આ રીતે સચિન તેંડુલકર, રોહિત શર્મા, અજીત અગરકર, રવિ શાસ્ત્રીની જેમ વિરાટ કોહલી પણ અલીબાગમાં પોતાનું બીજું ઘર બનાવીને તેમના પાડોશી બની જશે. રવિ શાસ્ત્રીએ દસ વર્ષ પહેલા અહીં પોતાનું ઘર બનાવ્યું હતું. રોહિત શર્માનું 3 એકરનું ફાર્મ હાઉસ પણ નજીકના મહત્રોલી-સરાલ વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ પણ અહીં જમીન ખરીદવા પહોંચ્યા હતા. એટલે કે, અલીબાગ ઝડપથી ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને ક્રિકેટરોના ફાર્મ હાઉસ માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે.
ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આ ડીલ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા ફાઈનલ થઈ ગઈ છે અને વિરાટનું બેટ હોંગકોંગ સામે પણ સારું ચાલ્યું છે. એટલે કે વિરાટને બાપ્પાના ખૂબ આશીર્વાદ મળ્યા છે.