વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ ટેસ્ટ રદ થવાને લઈને તોડ્યુ મૌન, IPL 2021માં RCBના ભવિષ્ય પર પણ કહી આ વાત
ટીમ ઈન્ડીયાના સહયોગી ફિઝીયો યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી પાંચમી ટેસ્ટને રમવાથી ના કહી દીધી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કોવિડ -19ને કારણે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મુલતવી રાખવી દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આશા વ્યક્ત કરી હતી કે આ અનિશ્ચિત સમયને પાર કરવા માટે ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ના બાયોબબલને મજબૂત કરવામાં આવશે.
ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનું નેતૃત્વ કરનાર ભારતીય કેપ્ટને રાષ્ટ્રીય ટીમના સાથી ફિઝીયો યોગેશ પરમારને કોવિડ-19થી ચેપ લાગ્યા બાદ કેટલાક અન્ય ખેલાડીઓ સાથે ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી પાંચમી ટેસ્ટ રમવાની ના પાડી હતી.
કોહલીએ ડિઝીટલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારે અહીં વહેલા પહોંચવું પડ્યું (ટેસ્ટ રદ થવાને કારણે દુબઈ આવવાના સંદર્ભમાં), પરંતુ કોરોના વાઈરસને કારણે વસ્તુઓ ઘણી અનિશ્ચિત છે. એવી સ્થિતિ છે કે કંઈ પણ થઈ શકે છે. આશા છે કે અમે એક સારું, મજબૂત અને સલામત વાતાવરણ જાળવી શકીશું અને આ એક મહાન IPL હશે. આ એક રોમાંચક સમય હશે. અમારા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખાતે અને પછી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે તે ખૂબ મહત્વનું છે.
RCB 20 સપ્ટેમ્બરે રમશે
કોવિડ-19ને કારણે સ્થગિત IPLનો બીજો તબક્કો રવિવાર (19 સપ્ટેમ્બર)થી શરૂ થશે, જ્યારે કોહલીની ટીમ સોમવારે આ તબક્કાની પોતાની પ્રથમ મેચ રમશે. ટીમમાં શ્રીલંકાના લેગ સ્પિનર વાનીંદુ હસારંગા અને સિંગાપોરના બેટ્સમેન ટીમ ડેવિડ જેવા કેટલાક પ્રતિભાશાળી ક્રિકેટરો છે. કેપ્ટન આ ખેલાડીઓના આગમનથી ખુશ છે.
કોહલીએ કહ્યું ‘હું દરેકના સંપર્કમાં છું. અમે છેલ્લા એક મહિનામાં ઘણી ચર્ચા કરી છે. ટીમમાં અન્યની જગ્યા લેનારા ખેલાડીઓ વિશે પણ ચર્ચા થઈ છે. આખરે અમે અમારા મુખ્ય ખેલાડીઓને બદલે ટીમમાં જોડાવા માટે પ્રતિભાશાળી ક્રિકેટરો મેળવવામાં સફળ રહ્યા.
અમે મુખ્ય ખેલાડીઓને ચૂકી જઈશું, પરંતુ જે ખેલાડીઓ તેમના સ્થાને આવી રહ્યા છે, તેમની પાસે હાલની પરિસ્થિતીઓ (દુબઈ) માટે શાનદાર કૌશલ્ય છે. હું તેને મળવાની રાહ જોઉં છું, દરેક સાથે પ્રેક્ટિસ કરવાની રાહ જોઉં છું. અમે સારી શરૂઆત ચાલુ રાખવા માગીએ છીએ. આઈપીએલના પહેલા ભાગમાં RCBનું પ્રદર્શન યોગ્ય રહ્યું હતું. તેણે સાતમાંથી પાંચ મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે હતી. RCBએ હજુ સુધી ક્યારેય IPLનું ટાઈટલ જીત્યું નથી.