T20 World Cup: આ વખતે ટૂર્નામેન્ટમાં એક પણ કેપ્ટન એવો નથી જે અગાઉ T20 વિશ્વકપ જીત્યો હોય
ભારત આ વખતે T20 વિશ્વકપ (T20 World Cup)માં વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં મેદાને ઉતરનાર છે. મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડીયાના મેન્ટોર તરીકે ટીમ સાથે જોડાશે.
UAEમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે લગભગ તમામ દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ 12 ટીમોમાંથી ટોચની આઠ ટીમોને સીધી એન્ટ્રી મળી છે, જ્યારે બાકીના ચાર સ્થાનો માટે બાકીની ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાં ભાગ લેશે. અત્યાર સુધી જે મોટી ટીમોની ઘોષણા કરવામાં આવી છે, તેમાંથી એક પણ કેપ્ટન અગાઉ ટાઈટલ જીતી શક્યો નથી.
T20 વર્લ્ડ કપ 2021 અગાઉ ભારતમાં યોજાવાનો હતો. પરંતુ કોરોના વાઈરસ રોગચાળાને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તેને UAE અને ઓમાનમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો. T20 વર્લ્ડ કપમાં ભારતને ગ્રુપ બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન પણ છે. ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. બંને ટીમો દુબઈમાં એકબીજા સામે ટકરાશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોમાં T20 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન નથી
અત્યાર સુધી T20 વર્લ્ડ કપનું આયોજન છ વખત કરવામાં આવ્યું છે. તે પાંચ જુદા જુદા દેશો દ્વારા જીતવામાં આવી છે. માત્ર વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ રહી છે. જે બે વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બની છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાએ એક-એક વખત જીત મેળવી છે. આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોમાં T20 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન નથી. તમામ વિશ્વ ચેમ્પિયન કેપ્ટનો, જેમણે તેમના દેશો માટે ખિતાબ જીત્યો છે, તેઓએ રમતને અલવિદા કહી દીધું છે.
ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી યુનૂસ ખાનની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને વર્ષ 2009માં ટાઈટલ જીત્યું હતું. 2010માં પોલ કોલિંગવુડની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું. વેસ્ટ ઈન્ડીઝના ડેરેન સામીએ વર્ષ 2012 અને 2016માં પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. બીજી બાજુ શ્રીલંકાએ 2014માં બાંગ્લાદેશમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ તમામ કેપ્ટન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે.
કોહલીને ધોનીનો સહયોગ મળશે
ભારતીય ટીમ આ વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં મેદાને ઉતરશે. કોહલી તેની કેપ્ટનશીપમાં દેશ માટે પ્રથમ ICC ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરાશે. કોહલીને આ વખતે સપોર્ટ ધોનીનો મળનારો છે. બે વખતના ભારતીય વર્લ્ડ ચેમ્પિયન મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા છે. ધોનીએ કેપ્ટન તરીકે ચાર T20 ટાઈટલ જીત્યા છે. 2007ના T20 વર્લ્ડ કપ સિવાય તેણે ત્રણ વખત IPLનો ખિતાબ પણ જીત્યો છે. આવી સ્થિતિમાં તેમનો અનુભવ ટીમ માટે ખૂબ મહત્વનો રહેશે.