Breaking news : ભારત-પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબરે નહીં રમાઈ! BCCI થોડા કલાકોમાં world cupના નવા શેડ્યૂલની જાહેરાત કરી શકે છે
વર્લ્ડ કપ 2023 (world cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 15 ઓક્ટોબરે થવાની હતી, પરંતુ હવે આ દિવસે મેચ નહીં રમાય, આજે 31 જુલાઈએ નવા કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.
વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે? આ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો નથી. જો કે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ એક મહિના પહેલા જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાવા જઈ રહી છે. આ મેચ 15 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ મેચ 14 ઓક્ટોબરે યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI થોડા કલાકોમાં આની જાહેરાત કરી શકે છે.
દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે ત્રણ ક્રિકેટ બોર્ડને વર્લ્ડ કપના કાર્યક્રમ સામે વાંધો છે અને તેના માટે આઈસીસીને પત્ર પણ લખ્યો છે. આ પછી વર્લ્ડ કપના કાર્યક્રમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મેચોમાં ભારત-પાકિસ્તાન મેચ પણ સામેલ છે.
ભારત-પાકિસ્તાન મેચની તારીખ કેમ બદલાશે?
તમને જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવાનું કારણ સુરક્ષા સંબંધિત છે. નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે અને નવરાત્રી ગુજરાત સહિત અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ ત્યાં સુરક્ષા પૂરી પાડે છે. હવે જો આ દિવસે ભારત-પાકિસ્તાન મેચ પણ યોજાય તો અમદાવાદ પોલીસને પુરતી સુરક્ષા આપવામાં મુશ્કેલી આવી શકે છે. આ જ કારણ છે કે આ મામલો BCCI સુધી પહોંચ્યો હતો અને હવે આ મેચ એક દિવસ પહેલા કરવામાં આવશે. 31 જુલાઈની મોડી રાત સુધી તેની પુષ્ટિ થઈ શકે છે.
ચાહકોને થશે નુકસાન
તમને જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલવાથી ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે, આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચશે. અનેક ચાહકોની ફ્લાઈટ અને હોટલ બુકિંગ 15 ઓક્ટોમ્બરના રોજ છે પરંતુ આ મેચનું શેડ્યુલ બદલવાથી તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અનેક લોકોની ફ્લાઈટ પણ 15 ઓક્ટોમ્બરના રોજ સવારે પહોંચી રહી છે પરંતુ હવે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાશે. તો તેની ફ્લાઈટનું શું થશે?
જો કે, માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, અન્ય કેટલીક મેચોના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, 31મી જુલાઈએ રિલીઝ થનારા અપડેટ શેડ્યૂલમાં શું ખાસ છે?