Viral: મહિલા વિકેટકીપરે કર્યું અજબ-ગજબ સ્ટમ્પિંગ, સ્ટેડિયમમાં હાજર તમામ હસવા લાગ્યા, જુઓ Video
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં મહિલાઓની એક મેચમાં કંઈક એવું બન્યું કે જેણે પણ જોયું તે હસવા લાગ્યું અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ (The Hundred) ટુર્નામેન્ટ રમાઈ રહી છે. પુરૂષ અને મહિલા ટુર્નામેન્ટનું આયોજન એક સાથે કરવામાં આવી રહ્યું છે. આ લીગમાં એકથી એક દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બેટ્સમેનોએ તોફાન મચાવ્યું છે, તો બોલરોએ પણ પોતાનું કૌશલ્ય બતાવવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ શુક્રવારે રમાયેલી મેચમાં એવો નજારો જોવા મળ્યો કે દર્શકો હસવાનું રોકી શક્યા નહીં.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેણે પણ આ વીડિયો જોયો તે હસ્યા વગર રહી શક્યા નહીં. આ વીડિયો ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની મહિલાઓની મેચનો છે. લીડ્ઝમાં શુક્રવારે નોર્ધન સુપરચાર્જ્સ અને ઓવલ ઈન્વિન્સીબલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સુપરચાર્જ્સની વિકેટકીપર બેસ હીથે એવું કામ કર્યું કે સ્ટેડિયમમાં હાજર બધા હસવા લાગ્યા. બેસ પોતે પણ પોતની હસી રોકી શકી નહીં અને અને તેની સાથી ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા.
Hilarious stuff pic.twitter.com/UqMcS4pLTI
— Melissa Story (@melissagstory) August 11, 2023
લેગ સ્પિનરની બોલિંગમાં બની ઘટના
બેસ પાંચમી ઓવર નાખવા આવી અને તે આ ઓવરનો છેલ્લો બોલ ફેંકી રહી હતી. ઓવલની બેટ્સમેન એલિસ કેપ્સી બેટિંગ કરી રહી હતી. બેસના લેગ સ્પિન પર કેપ્સીએ આગળ નીકળી હિટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. આવી સ્થિતિમાં બોલ વિકેટકીપર બેઝની નજીક ગયો, પરંતુ તે બોલને પકડી શકી નહીં અને બોલ તેના ગ્લોવ્સમાંથી પડીને બાજુમાં પડ્યો.
વિકેટકીપરનું ગજબ સ્ટમ્પિંગ
જે બાદ બેસે બોલને ફરી પકડવાનો પ્રયાસ કર્યો અને જમણી તરફ ડાઇવ કરી પરંતુ તે હજુ પણ બોલને પકડી શકી ન હતી અને બોલ તેની પાસેથી દૂર જવા લાગ્યો હતો. આ દરમિયાન, બેટ્સમેન કેપ્સી ઘણી આગળ નીકળી ગઈ હતી. તે સમયે વિકેટકીપર બેસ બોલને પકડવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. છતાં કેપ્સી ક્રિઝમાં પાછા ફરવાનું વિચારે તે પહેલા બેસે કોઈક રીતે બોલને પકડીને સ્ટમ્પ ઉડાવી દીધા હતા.
આ પણ વાંચો : બુમરાહને નહીં મળે દ્રવિડ-લક્ષ્મણનું સમર્થન, મુખ્ય કોચ વિના આયર્લેન્ડમાં સંભાળવી પડશે ટીમની કમાન
સુપરચાર્જે ઓવલને હરાવ્યું
પ્રથમ બેટિંગ કરતા સુપરચાર્જે ચાર વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. સુપરચાર્જ તરફથી ફોબી લિચફિલ્ડે 45 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હોલી આર્મીટેજે 33 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. ઓવલની ટીમ આ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને પૂરા 100 બોલ રમ્યા બાદ પાંચ વિકેટ ગુમાવીને 129 રન જ બનાવી શકી હતી. ઓવલ તરફથી કોર્ડેલા ગ્રિફિથે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા જ્યારે મેડી વિલિયર્સ 22 રન બનાવીને અણનમ રહી હતી.