ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બીજી શ્રેણીની જાહેરાત, ટીમ ઈન્ડિયા 4 T20 રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો શેડ્યૂલ
BCCIએ તાજેતરમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝની જાહેરાત કરી હતી. હવે બોર્ડે વધુ એક શ્રેણીની જાહેરાત કરી છે. ઘરઆંગણે બાંગ્લાદેશ રમ્યા બાદ ભારતીય ટીમ 4 મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ સાથે હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કુલ પાંચ સિરીઝ રમશે.
ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આખી ટીમ આ ટ્રોફી જીતવા માટે સખત મહેનત કરી રહી છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચશે તો 29 જૂને યોજાનારી આ મેચ બાદ ટીમ પરત ફરશે. જો કે, આ પછી પણ ખેલાડીઓને કોઈ રાહત મળવાની નથી, કારણ કે ભારતીય ટીમને એક પછી એક ઘણી શ્રેણી રમવાની છે. તાજેતરમાં જ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણીની જાહેરાત કરી હતી. હવે તેમાં વધુ એક શ્રેણીનો ઉમેરો થયો છે, જેના માટે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.
નવેમ્બરમાં 4 T20 મેચની સિરીઝ
T20 વર્લ્ડ કપ 2024 બાદ 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. જોકે, ICCએ હજુ સુધી આ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ પાકિસ્તાને ફેબ્રુઆરી અને માર્ચની વિન્ડો રાખી છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ સતત ઘણી શ્રેણી રમવામાં વ્યસ્ત રહેશે. BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દક્ષિણ આફ્રિકા શ્રેણીનો ઉમેરો કર્યો છે. આ સિરીઝ ન્યુઝીલેન્ડ સિરીઝ પછી તરત જ રાખવામાં આવી છે, જેના માટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે BCCI સાથે મળીને શેડ્યૂલ જાહેર કર્યું છે. 5 નવેમ્બરે ન્યુઝીલેન્ડ સિરીઝ પૂરી થતાં જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ત્યાં એક સપ્તાહમાં એટલે કે 8મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી કુલ 4 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.
IND vs SA શેડ્યૂલ-
8 નવેમ્બર: પહેલી T20, ડરબન
10 નવેમ્બર: બીજી T20, પોર્ટ એલિઝાબેથ
13 નવેમ્બર: ત્રીજી T20, સેન્ચુરિયન
15 નવેમ્બર: ચોથી T20, જોહાનિસબર્ગ
CSA AND BCCI ANNOUNCE UPCOMING SERIES
Cricket South Africa (CSA) and the Board of Control for Cricket in India (BCCI) are delighted to confirm the scheduling of yet another thrilling KFC T20 International (T20I) series, which will see India traveling to South Africa in November… pic.twitter.com/6xn8AkpK51
— Proteas Men (@ProteasMenCSA) June 21, 2024
ટીમ ઈન્ડિયાનું અતિ વ્યસ્ત શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સિરીઝ રમવાની છે. આ પછી BCCIની આ સિઝન સમાપ્ત થઈ જશે. ભારતીય ટીમની આગામી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને આ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કુલ શ્રેણી રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશથી થશે, જેની સામે 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ઘરઆંગણે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમાશે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાંચ સિરીઝ રમશે
બાંગ્લાદેશ શ્રેણીના માત્ર ચાર દિવસ બાદ એટલે કે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 ટેસ્ટ મેચ રમશે. આ સમાપ્ત થતાની સાથે જ આઠમી નવેમ્બરથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શરૂ થશે. જે બાદ 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ 5 T20 અને 3 ODI મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને નવેમ્બર-ડિસેમ્બરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પણ જવાનું છે. આ રીતે ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કુલ 5 સિરીઝ રમવાની છે.
આ પણ વાંચો: T20 World Cup 2024 : જ્યાં રોહિત-વિરાટ રહ્યા નિષ્ફળ, ત્યાં સૂર્યાએ ફટકારી ફિફ્ટી