ઓસ્ટ્રેલિયન બોલરે WPLમાં ધમાકેદાર વિકેટો લઈ ઈતિહાસ રચ્યો, જે કર્યું તે પહેલા ક્યારેય નહોતું થયું
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી અને વિશ્વની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર એલિસ પેરીએ WPLમાં ઈતિહાસ રચ્યો હતો. મુંબઈ સામેની મેચમાં પેરી 6 વિકેટ લઈ વુમન્સ પ્રીમિયર લીગનો સૌથી ઘાતક બોલિંગ સ્પેલ નાખ્યો હતો. આ કોઈ પણ બોલરનું એક મેચમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આરસીબીની માટે આજની મેચ સૌથી મહત્વપૂર્ણ છે, અને આ મેચમાં પેરીએ દમદાર બોલિંગ કરી તબાહી મચાવી દીધી હતી.
એલિસા પેરી મહિલા ક્રિકેટમાં એક મોટું નામ છે. ઓસ્ટ્રેલિયાની આ ફાસ્ટ બોલર તેની શાનદાર બોલિંગ માટે જાણીતી છે. પેરીએ મંગળવારે મહિલા પ્રીમિયર લીગની મેચમાં પણ પોતાની શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં તેની ઘાતક બોલિંગ જોવા મળી હતી. પેરીએ આ મેચમાં કમાલ કરી હતી અને મુંબઈની બેટિંગની કમર તોડી નાખી હતી.
એલિસ પેરીએ કર્યો કમાલ
મુંબઈએ ગુમાવેલી પ્રથમ સાત વિકેટોમાંથી પેરીએ છ વિકેટ લીધી હતી અને મોટું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે પહેલી વિકેટમાં બેટરની કેચ પકડી હતી. તેનો અર્થ એ છે કે મુંબઈની પ્રથમ સાત વિકેટમાં તેણે દરેક વિકેટમાં યોગદાન આપ્યું છે. પ્લેઓફમાં જવા માટે આરસીબી માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ મેચમાં પેરીએ તે પ્રદર્શન આપ્યું જેની ટીમને ખૂબ જ જરૂર હતી.
પેરીએ 6 વિકેટ લઈ મચાવી તબાહી
મુંબઈએ તેની પ્રથમ વિકેટ હેલી મેથ્યુસના રૂપમાં ગુમાવી હતી. સોફી ડિવાઈને તેને પોતાનો શિકાર બનાવી હતી, પેરીએ મેથ્યુઝની કેચ પકડી હતી. આ પછી પેરીએ વિકેટ લેવાનું શરૂ કર્યું. તેણે મુંબઈની બીજા ઓપનિંગ બેટ્સમેન સંજીવન સંજનાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી હરમનપ્રીત કૌર તેનો શિકાર બની હતી. કૌર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતી. કૌર બાદ એમેલિયા કાર બે રન બનાવીને પેરીનો આગામી શિકાર બની હતી. અમનજોત કૌરને પેરીએ બોલ્ડ કરી હતી. પેરી પૂજા વસ્ત્રાકરને છ રન પર આઉટ કરી હતી. નેટ સિવર બ્રન્ટ, જે બીજા છેડેથી વિકેટ પડતી જોઈ રહ્યો હતો, તે પણ આખરે પેરીનો શિકાર બની. તેણે 10 રન બનાવ્યા હતા. મુંબઈએ 82ના કુલ સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી અને આ બધામાં પેરીનું યોગદાન હતું.
Commentators: Nobody has taken a 6 wicket haul in WPL.
Perry took it personally. 6-fer for the GOAT! #PlayBold #ನಮ್ಮRCB #WPL2024 #SheIsBold #MIvRCB @EllysePerry pic.twitter.com/Q4VGcJIpXI
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2024
મુંબઈ માત્ર 113 રનમાં થયું ઓલઆઉટ
જોકે મુંબઈની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. આ તેની છેલ્લી લીગ મેચ છે. ટીમના બેટ્સમેનો તેમની છેલ્લી લીગ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આખી ટીમ 19 ઓવરમાં માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે સંજનાએ સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. મેથ્યુઝે 26 રન બનાવ્યા હતા. અંતે પ્રિયંકા બાલાએ 18 બોલમાં 19 રન ફટકારીને ટીમના સ્કોરને 100ની પાર પહોંચાડી દીધો હતો. પેરીએ ચાર ઓવરમાં 15 રન આપીને છ વિકેટ લીધી હતી. આ લીગમાં કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી વિશે આ સમાચાર સાંભળી સ્ટુઅર્ટ બ્રોડ નારાજ થયો, કહ્યું- આ સાચું ન હોઈ શકે