ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરવાની છે. મોટા સમાચાર એ છે કે આ બંને શ્રેણીના બે મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. માત્ર પુરુષ ટીમ જ નહીં, મહિલા ટીમના 3 મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. જાણો સંપૂર્ણ વિગતો.

BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યું છે કે 2 ઓક્ટોબર, 2025થી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ હવે કોલકાતાને બદલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે, 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ હવે દિલ્હીને બદલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
ચેન્નાઈમાં હવે ODI શ્રેણી નહીં રમાય
BCCIએ એક મોટી જાહેરાત કરી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વનડે શ્રેણીની મેચ હવે ચેન્નાઈમાં નહીં રમાય. આ શ્રેણીની બે મેચ હવે ન્યુ ચંદીગઢના ન્યુ PCA સ્ટેડિયમમાં રમાશે, જ્યારે છેલ્લી વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ચેપોક સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ શ્રેણી હવે ત્યાં નહીં રમાય.
ભારતીય ક્રિકેટ ટીમનું અપડેટેડ શેડ્યૂલ
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં યોજાશે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકાતામાં અને બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ODI 30 નવેમ્બરે રાંચીમાં, બીજી ODI 3 ડિસેમ્બરે રાયપુરમાં અને ત્રીજી ODI 6 ડિસેમ્બરે વિઝાગમાં રમાશે.
NEWS
BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.
Details #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA
— BCCI (@BCCI) June 9, 2025
દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચ 9 ડિસેમ્બરે કટકમાં, બીજી T20 મેચ 11 ડિસેમ્બરે ન્યૂ ચંદીગઢમાં, ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે ધર્મશાલામાં, ચોથી T20 17 ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી T20 મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચે સીરિઝ
ઓસ્ટ્રેલિયા-Aની પુરુષ ટીમ પણ ભારતનો પ્રવાસ કરશે. પહેલી મલ્ટી-ડે મેચ 16 સપ્ટેમ્બરથી લખનૌમાં રમાશે. બીજી મેચ પણ 23 સપ્ટેમ્બરથી લખનૌમાં જ યોજાશે. આ પછી, ઓસ્ટ્રેલિયા-A ટીમ કાનપુરમાં ઈન્ડિયા-A સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે.
આ પણ વાંચો: WTC ફાઈનલમાં વરસાદની આગાહી, જો મેચ ડ્રો કે રદ્દ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ