IND vs SL: શ્રીલંકાનો આ ઝડપી બોલર ભારત પ્રવાસ બાદ નિવૃત્ત થવાનુ કર્યુ એલાન, ટીમ ઇન્ડિયા સામે કર્યુ હતુ ડેબ્યૂ
શ્રીલંકા (Sri Lanka) ની ટીમ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવશે, જ્યાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) આ મહિનાના અંતમાં ભારત આવી રહી છે. આ પ્રવાસમાં, શ્રીલંકાની ટીમ ભારત (India Vs Sri Lanka) સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી સાથે શ્રીલંકન ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક સુરંગા લકમલ (Suranga Lakmal) ની કારકિર્દીનો પણ અંત આવશે. જમણા હાથના ફાસ્ટ બોલર લકમલે ભારતના પ્રવાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી છે. લકમલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 13 વર્ષ પહેલા 2009માં ભારત સામેની ODI શ્રેણીથી શરૂ કરી હતી અને હવે તેની કારકિર્દી ભારત સામે જ સમાપ્ત થશે.
બુધવાર, 2 ફેબ્રુઆરીએ શ્રીલંકા ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટને ભારતના પ્રવાસ પછી ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 34 વર્ષીય લકમલે આ નિવેદનમાં પોતાના સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “મારા ખેલાડીઓ, કોચ, ટીમ મેનેજર, સપોર્ટ સ્ટાફ, એડમિનિસ્ટ્રેટર્સ અને અન્ય સ્ટાફ માટે મને ખૂબ સન્માન છે.”
શ્રીલંકન બોર્ડનો આભાર
પાંચ ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરનાર આ તોફાની પેસરે પણ તેના બોર્ડનો આભાર માન્યો અને કહ્યું કે તેની અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણો સુધારો થયો છે. લકમલે કહ્યું, “હું શ્રીલંકા ક્રિકેટનો આભાર માનું છું કે તેણે મને આ જબરદસ્ત તક આપી અને મારી માતૃભૂમિને સન્માન અપાવવા માટે મારામાં આત્મવિશ્વાસ જગાવ્યો. મારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં સુધારો કરવામાં ભૂમિકા ભજવી છે તે બોર્ડ સાથે સંકળાયેલો રહેવાને લઇ તેને મારી ખુશકિસ્મત ગણુ છું.”
Former Sri Lanka Test Captain Suranga Lakmal has informed Sri Lanka Cricket that he will retire from all forms of International Cricket following the completion of the upcoming Sri Lanka Tour of India 2022https://t.co/ALi5H8H8vz
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 2, 2022
લકમલની કારકિર્દી પર એક નજર
સુરંગા લકમલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2009માં ભારત સામેની ODI શ્રેણીથી શરૂ થઈ હતી. લકમલે ડિસેમ્બર 2009માં નાગપુરમાં ભારત વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. લગભગ એક વર્ષ પછી, નવેમ્બર 2010 માં, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી, જ્યારે તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દી 2011 માં શરૂ થઈ. લકમલે અત્યાર સુધીમાં કુલ 68 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના ખાતામાં 168 વિકેટ આવી છે. તેણે એક ઇનિંગમાં 4 વખત 5 વિકેટ લીધી હતી.
86 વનડેમાં લકમલે 109 વિકેટ લીધી હતી, જ્યારે 11 ટી-20માં તેને માત્ર 8 વિકેટ મળી હતી. ભારત વિરૂદ્ધ લકમલે 2 ટેસ્ટમાં 8 વિકેટ, 11 વનડેમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે માત્ર T20માં તેને કોઈ સફળતા મળી ન હતી.