Shubman Gill Injured : શુભમન ગિલને હોસ્પિટલમાં કરાયો દાખલ, ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાનું જોખમ

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન, શુભમન ગિલ મેચના બીજા દિવસે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો, પરંતુ તેણે શોટ માર્યા પછી, ગરદનમાં દુખાવો થયો હતો અને તે બેંટિગ કરી શકે તેવી સ્થિતિમાં નહતો, ગિલ ફરીથી બેટિંગમાં પાછો ફર્યો નહીં, અને ભારતીય ઇનિંગ્સ નવ વિકેટ ગુમાવવા સાથે સમાપ્ત થઈ.

Shubman Gill Injured : શુભમન ગિલને હોસ્પિટલમાં કરાયો દાખલ, ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાનું જોખમ
| Edited By: | Updated on: Nov 16, 2025 | 8:30 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડનગાર્ડન ખાતે ચાલી રહેલ ટેસ્ટ મેચમાં માત્ર બે દિવસમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો છે. આજે મેચનો ત્રીજો દિવસ છે અને તે મોટાભાગે આજે જ પરિણામ આવી જાય તેવી સ્થિતિમાં છે. ટીમ ઇન્ડિયા આ મેચમાં અત્યારે તો દક્ષિણ આફ્રિકા કરતા આગળ હોય તેવું લાગે છે.

પરંતુ ટીમ ઈન્ડિયા માટે કેટલાક ખરાબ સમાચાર છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને ટેસ્ટ દરમિયાન અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગિલને મેચના બીજા દિવસે ગરદનમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને રિટાયર્ડ હર્ટ થવા માટે મજબૂર થવું પડ્યું હતું. જોકે, હવે તેને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેના કારણે શુભમનનુ ટેસ્ટની બીજી ઇનિંગમાં રમવું મુશ્કેલ બન્યું છે. તે મોટાભાગે ટેસ્ટની બહાર રહેશે અને ભારતે 9 વિકેટે બેટિંગ કરવી પડશે.

શોટ માર્યા પછી ગરદનમાં થયો દુખાવો

ગિલને ગરદનમાં ઈજા ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે થઈ હતી. ટીમ ઈન્ડિયાએ શનિવાર, 15 નવેમ્બરના રોજ પોતાનો પહેલો દાવ શરૂ કરી રહી હતી. કેપ્ટન ગિલે સ્વીપ શોટ માર્યો. જોકે, શોટ મારતાની સાથે જ તેને ગરદનમાં ભારે દુખાવો થયો અને તેણે તરત જ તેનું હેલ્મેટ કાઢી નાખ્યું. ટીમ ફિઝિયોએ તેની તપાસ કરી અને પછી રિટાયર્ડ હર્ટ થઈ ગયો.

ગિલ કોલકાતા હોસ્પિટલમાં દાખલ

શુભમન ગિલે આખી ઈનિંગ દરમિયાન બેટિંગ કરી ન હતી અને ડ્રેસિંગ રૂમમાં જ રહ્યો. પરંતુ હવે, ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીના સમાચાર આવ્યા છે. રેવસ્પોર્ટ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે, શુભમન ગિલની સ્થિતિને કારણે, તેને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે સારવાર હેઠળ રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગિલને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેને દવા આપવામાં આવી છે. ભારતીય કેપ્ટન કેટલો સમય હોસ્પિટલમાં રહેશે અથવા તેને કોઈ વધુ સારવારની જરૂર પડશે કે નહીં તે આજે ખબર પડશે.

કોલકાતા ટેસ્ટમાંથી બહાર?

જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ હાલની પરિસ્થિતિ સૂચવે છે કે, જો ટીમ ઈન્ડિયાને બીજી ઇનિંગમાં ગિલની જરૂર પડશે તો તે રમે તેવી શક્યતા ઓછી છે. ચિંતાજનક બાબત એ છે કે, જો આ ઈજા વધુ ગંભીર બનશે, તો ભારતીય કેપ્ટન માટે ગુવાહાટીમાં 21 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમવું પણ મુશ્કેલ બની શકે છે.

બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, ટીમના બેટિંગ કોચ, સિતાંશુ કોટકે ખુલાસો કર્યો કે, ગિલને બેટિંગ કરતા પૂર્વે ઈજા થઈ હતી. કોટકે ખુલાસો કર્યો કે સ્ટાર બેટ્સમેન સવારે ઉઠ્યા પછીથી તેની ગરદનના પાછળના ભાગમાં દુખાવો અનુભવી રહ્યો હતો, જે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેમ છતાં, તે બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો અને શોટ રમતી વખતે, તેનો દુખાવો વધી ગયો, જેના કારણે તે ફરીથી બેટિંગ કરવા માટે પેવેલિયનની બહાર આવ્યો નહીં અને ભારતીય ઇનિંગ 9 વિકેટના પતન સાથે સમાપ્ત થઈ.

આ પણ વાંચોઃ IPL 2026: આ વિદેશી ખેલાડીઓ તેમની ધાક જમાવશે! ફ્રેન્ચાઇઝીઓ કરોડોની બોલી લગાવશે