IND vs NZ: શ્રેયસ અય્યરે ખોલ્યુ રાઝ, ટીમ ઇન્ડિયાનો દાવ મોડો ડિક્લેર કરવાને લઇ શુ હતી રણનીતિ
શ્રેયસ અય્યરે (Shreyas Iyer) કાનપુર ટેસ્ટ (Kanpur Test) ની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને પછી બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે તેનો બીજો દાવ 234 રન પર ડિકલેર કર્યો હતો. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) ને 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાછલા બે દિવસની જેમ, શનિવારે પણ રમત સમય પહેલા રદ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં માત્ર ચાર ઓવર બાકી હતી પરંતુ આ દરમિયાન તેણે વિલ યંગની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમે (Team India) ઇનિંગ્સ જાહેર કરવામાં વિલંબ કર્યો અને દિવસની રમત સમાપ્ત થવાની થોડી ઓવર પહેલા જ નિર્ણય લીધો અને આના પર કેટલાક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, જેનો જવાબ ટીમના નવા બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) આપ્યો છે.
પ્રથમ દાવમાં સદી બાદ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારનાર અય્યરે તેની પાછળનું કારણ જણાવ્યું. દિવસની રમત પૂરી થયા બાદ તેણે કહ્યું, ‘સાચું કહું તો વિકેટ પર ખાસ મૂવમેન્ટ જોવા મળી ન હતી. અમને સ્પર્ધાત્મક સ્કોરની જરૂર હતી, કદાચ 275 થી 280 રનની આસપાસ.
ટીમને સ્પિનરો પર વિશ્વાસ છે
તેણે કહ્યું, ‘વાત સ્પર્ધાત્મક સ્કોર બનાવવા વિશે હતી અને મને લાગે છે કે તે ખરેખર સારો સ્કોર છે, અમારી પાસે ઉત્તમ સ્પિનરો છે તેથી આશા છે કે અમે આવતીકાલે કામ પૂર્ણ કરી શકીશું. અમારી પાસે ‘સ્પિન પાવર’ છે. અમારે અમારા સ્પિનરોમાં વિશ્વાસ રાખવો પડશે અને અમે જાણીએ છીએ કે તેઓ છેલ્લા દિવસે તેમને દબાણમાં રાખી શકે છે.
જોકે મુંબઈના આ બેટ્સમેને કહ્યું કે ટીમ 250થી વધુ રનના સ્કોરથી સંતુષ્ટ રહેતી. તેણે કહ્યું, મને લાગે છે કે આ વિકેટ પર 250 થી વધુની લીડ પૂરતી હશે. અમે નસીબદાર છીએ કે અમને આનાથી વધુ લીડ મળી છે.
રણજીનો અનુભવન શ્રેયસ અય્યરને કામ આવ્યો
સાત વર્ષ પહેલા આ જ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશ સામેની રણજી ટ્રોફીની ‘કરો યા મરો’ મેચમાં તેને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ અને રવિવારે પણ તેણે ટીમને મુશ્કેલીથી બહાર કાઢી હતી. અય્યરે કહ્યું, ‘હું પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં જીવ્યો છું, પરંતુ ભારતીય ટીમ સાથે નહી. હું રણજી મેચમાં આવું કરતો હતો. તેને સેશન બાય સેશન રમવાનો વિચાર હતો. મને ખબર હતી કે હું સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય છું.
તેણે કહ્યું, ‘અંતમાં અમારે મેચ જીતવી છે અને મારા માટે સૌથી મહત્વની એ જ બાબત હતી. રાહુલ સરે કહ્યું હતું કે સ્કોર વધારવા માટે મારે બને ત્યાં સુધી ક્રિઝ પર રહેવું પડશે.