IND vs NZ: રોહિત શર્માને ટ્રેન્ટ બોલ્ટે આ રીતે જાળમાં ફસાવી કર્યો શિકાર, રોહિતે કહ્યુ કમનસીબી રહી ગઇ મારી
જયપુરમાં રમાયેલી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.
રોહિત શર્મા (Rohit Sharma) એ ભારતીય T20 ટીમના કાયમી કેપ્ટન તરીકે જીત સાથે શરૂઆત કરી હતી. જયપુરમાં રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે (Team India) ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં રોહિત શર્માએ પણ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 48 રન બનાવ્યા. તેની ઇનિંગમાં તેણે 36 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત શર્માને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (Trent Bolt) આઉટ કર્યો હતો. મજાની વાત એ છે કે રોહિત અને બોલ્ટ બંને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમે છે. આવી સ્થિતિમાં, બોલ્ટ દ્વારા રોહિતને આઉટ કરવો એ ચર્ચા બની ગઈ. મેચ બાદ ભારતીય કેપ્ટનને પણ આ વિશે પૂછવામાં આવ્યું અને તેણે પણ આ વિશે ખુલીને વાત કરી.
ટ્રેન્ટ બોલ્ટે રોહિત શર્માને ધીમા બાઉન્સર પર ફસાવી દીધો હતો. આ બોલ પર ભારતીય કેપ્ટને શોર્ટ ફાઈન લેગ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલની ધીમી ગતિએ તેને ફસાવી દીધો હતો. આ કારણે શોટને લય ન મળી અને તે ફિલ્ડરને ક્રોસ કરવાને બદલે તેની નજીક ગયો. શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા રચિન રવિન્દ્રએ આ કેચ ખૂબ જ આસાનીથી ઝડપી લીધો હતો.
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે ટ્રેન્ટ બોલ્ટનો સ્લોઅર બોલ બાઉન્સર એક પ્રકારનો જાળ હતો. તે મુંબઈ ઈન્ડિયન્સમાં આ વિશે વાત કરતો હતો. હવે ન્યુઝીલેન્ડના બોલરે તેની સામે આ જાળનો ઉપયોગ કર્યો અને વિકેટ લીધી.
રોહિતે કહ્યું, અમે સાથે ખુબ ક્રિકેટ રમી છે અને તે મારી નબળાઈ જાણે છે. હું તેની શક્તિ પણ જાણું છું. અમારા બંને વચ્ચે આ સારી લડાઈ છે. જ્યારે હું તેનો કેપ્ટન હતો, ત્યારે હું તેને હંમેશા બ્લફ કરવાનું કહેતો અને તેણે તેમ જ કર્યું. તેણે મિડ-વિકેટ પાછળ રાખ્યો અને ફાઈન લેગને આગળ લાવ્યો. હું જાણતો હતો કે તે બાઉન્સર ફેંકશે અને હું ફિલ્ડરની ઉપર બોલ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કમનસીબે બોલમાં ગતિ ન હતી.
IND vs NZ: રોહિત શર્માને ટ્રેન્ટ બોલ્ટે આ રીતે જાળમાં ફસાવી કર્યો શિકાર, કહ્યુ કમનસીબી રહી ગઇ મારી
મેચ છેલ્લી ઓવરમાં પહોંચી
રોહિત શર્માની વિદાય બાદ સૂર્યકુમાર યાદવે ભારત તરફથી શાનદાર બેટિંગ કરી અને ટીમને જીતના કિનારે પહોંચાડી. તેણે 62 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પરંતુ 17મી ઓવરમાં તે પણ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી કિવી ટીમે એક વખત કમર કસીને મેચને રોમાંચક વળાંક પર લઈ લીધી હતી. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 10 રનની જરૂર હતી. વેંકટેશ અય્યર અને રિષભ પંતે એક-એક ફોર ફટકારી અને ભારતે મેચ જીતી લીધી. શ્રેણીની બીજી મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે.