IPL 2023 ના લીગ તબક્કામાં RCB બહાર ફેંકાઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે હરાવ્યુ હતુ. આ સાથે જ બેંગ્લોરીની ટીમ સિઝનથી બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ફરી એકવાર ચેમ્પિયન બનવાનુ બેંગ્લોરનુ સપનુ રોળાઈ ગયુ હતુ. બેંગ્લોરે સિઝનમાં 14 મેચ રમીને 7 મેચમાં જીત મેળવી હતી. આમ સિઝનમાં તેની સફર છઠ્ઠા સ્થાન પર રહીને જ સમાપ્ત થઈ ગઈ હતી. બેંગ્લોરની ટીમમાં ફાફ ડુપ્લેસી અને વિરાટ કોહલી સહિત ગ્લેન મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે, છતાં ટીમ પ્લેઓફની સફર ખેડી શકી નહોતી.
બેંગ્લોરની ટીમ ભલે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ, ટીમનો કેપ્ટન ક્વોલિફાયર-2 અને IPL Final મેચમાં અલગ જ ભૂમિકામાં જોવા મળશે. વિરાટ કોહલી ટીમ પ્લેઓફમાં નહીં પહોંચતા હવે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. જ્યાં ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final) રમનારી હોઈ ભારતીય ક્રિકેટરો સાથે તે તૈયારીઓ શરુ કરશે.
સોશિયલ મીડિયા પર ફાફ ડુપ્લેસીએ આ અંગે જાણકારી શેર કરી છે. જેના દ્વારા તે IPL Final અને IPL Qualifier 2 મેચમાં અલગ ભૂમિકામાં જોવા મળવાનો હોવાનુ બતાવ્યુ હતુ. શુક્વારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થનારી ટક્કરમાં જીત મેળવનારી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલમાં ઉતરશે. આમ આ બંને મહત્વની મેચમાં ફાફ ડુપ્લેસી એક્સપર્ટ તરીકે નજર આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી બીજી ક્વોલિફાયર મેચ અને ફાઈનલ મેચ માટે આરસીબીનો કેપ્ટન ડુપ્લેસી ટીવી બ્રોડકાસ્ટરની એક્સપર્ટ પેનલનો હિસ્સો હશે. આમ સિઝનની અંતિમ બંને મેચમાં તે આ ખાસ ભૂમિકા અદા કરતો નજર આવશે.
I’m joining @StarSportsIndia team to be LIVE on #JindalPanther #CricketLive on the 26th & 28th of May, just before the two biggest games of the season – Qualifier 2 and the Final of #IPL2023.
Thank you for having me, @starsportsindia #IPLOnStar #BetterTogether pic.twitter.com/QWuRJ6l3Kw
— Faf Du Plessis (@faf1307) May 25, 2023
હાલમાં ઓરેન્જ કેપ ધરાવતા ફાફ ડુપ્લેસીએ સિઝનમાં 14 મેચમાં 56.15ની એવરેજથી 730 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ફિફ્ટી ફટકારી હતી. પરંતુ તેની કેપ પણ જોખમમાં છે. ગુજરાત ટાઇટન્સનો શુભમન ગિલ તેની બરાબરી સુધી પહોંચવાથી માત્ર 8 રન દૂર છે. ગિલે 15 મેચમાં 722 રન બનાવ્યા છે.