Ashwin Retirement Controversy : અશ્વિનના પિતાનો દાવો, દીકરાનું અપમાન થયું હતું, તેથી અચાનક નિવૃત્તિ લીધી
આર અશ્વિનના અચાનક સંન્યાસ વચ્ચે પિતાએ દાવો કર્યો છે કે, તેનું ટીમમાં સતત અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે તેમણે નિવૃતિ લીધી છે. અશ્વિનના પિતા બોક્સિંગ ડે ટેસ્ટ માટે મેલબર્ન જવાના હતા પરંતુ અચાનક દીકરાએ ફોન કરીને કહ્યું તે તે સંન્યાસ લઈ રહ્યો છે.
આર અશ્વિને ગાબા ટેસ્ટ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેમણે અચાનક સંન્યાસ લેતા તેના પર સવાલો પણ ઉઠવા લાગ્યા છે. અશ્વિને સીરિઝના અધવચ્ચે કેમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અશ્વિનના પિતા રવિચંદ્રએ દાવો કર્યો કે, અશ્વિનનું ટીમ ઈન્ડિયામાં અપમાન કરવામાં આવ્યું હતુ. એટલા માટે તેમણે સંન્યાસ લઈ લીધો છે.
ટીમ ઈન્ડિયામાં અશ્વિનનું અપમાન થયું?
અશ્વિનના પિતાએ સીએનએન ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે, તેના દીકરાનું ટીમ ઈન્ડિયામાં સતત અપમાન કરવામાં આવતું હતુ. જેના કારણે તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસના અધવચ્ચે સંન્યાસ લીધો છે. અશ્વિનના પિતાએ કહ્યું કે, દીકરાના અચાનક સંન્યાસ લેવાના નિર્ણયથી તે પણ ચોંકી ગયા છે.
અશ્વિનના પિતાએ કહ્યું મને સંન્યાસ વિશે ખુબ મોડી જાણ થઈ. તેના મગજમાં શું ચાલી રહ્યું હતું.તે મને ખબર નથી, તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. મને એમ કે, તેમણે જે રીતે સંન્યાસ લીધો છે તેનાથી હું પણ ખુશ છું અને નથી પણ, કારણ કે, તેમણે હજુ રમવાની જરુર હતી. સંન્યાસ લેવાનો અશ્વિનનો નિર્ણય હતો અને હું તેમાં કાંઈ દખલગીરિ પણ કરીશ નહિ. પરંતુ તેમણે જે રીતે સંન્યાસ લીધો છે. તેના અનેક કારણો હોય શકે છે.આ વાત અશ્વિન પણ જાણે છે.
અશ્વિનના પિતાએ આગળ કહ્યું અશ્વિનનું સંન્યાસ લેવું અમારા માટે ખુબ ઈમોશનલ વાત હતી. કારણ કે, 14-15 વર્ષ સુધી રમ્યા બાદ અચાનક સંન્યાસ લેવો અમે બધા ચોંકી ગયા હતા. એવું લાગી રહ્યું છે કે, તેનું સતત અપમાન થઈ રહ્યું હતુ. તે ક્યાં સુધી આ સહન કરે, એટલા માટે તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
નંબર વન ટેસ્ટ બોલર કેમ બેન્ચ પર બેઠો
અશ્વિન ભલે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર રહ્યો હોય, ભલે લાંબા સમય સુધી દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો હોય પરંતુ તેને ટીમ ઈન્ડિયાનું સન્માન મળ્યું નથી. જેનો તે સાચો હકદાર હતો. અશ્વિનને બંન્ને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ ગત્ત ફાઈનલમાં આ ખેલાડી બેન્ચ પર બેઠો હતો. આ મુદ્દાને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, જો તમે દુનિયાના નંબર વન બેટ્સમેનને પ્લેઈંગમાં રાખો છો, તો દુનિયાનો નંબર વન ટેસ્ટ બોલર કેમ બેન્ચ પર બેઠો છે. આવી જ રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર અશ્વિનને પર્થ ટેસ્ટમાં તક આપવામાં આવી ન હતી. એડિલેડમાં તે રમ્યો અને ત્રીજી ટેસ્ટમાં તેને બહાર કરી દેવામાં આવ્યો હતો.