જેણે મેચ માટે પોતાના લગ્ન મૌકૂફ રાખ્યા તેણે ઈંગ્લેન્ડ સામે ફરકાવ્યો ઝંડો!
રજત પાટીદારે ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 32 રન બનાવ્યા હતા અને મહત્વની ભાગીદારી કરી હતી. તેની ટેકનિકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ખેલાડીએ ક્રિકેટને પોતાના જીવનમાં સૌથી વધુ મહત્વ આપ્યું છે, જેનું એક ઉત્તમ ઉદાહરણ એ છે કે તેણે પોતાન લગ્ન મેચ માટે મૌકૂફ રાખ્યા હતા.

રજત પાટીદારે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યુ કર્યું છે. તેણે તેની પ્રથમ ઈનિંગમાં 32 રન બનાવ્યા હતા, પરંતુ જ્યાં સુધી તે મેદાન પર રહ્યો ત્યાં સુધી તેની ટેકનિકના ખૂબ વખાણ થયા. શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાં પદાર્પણ કરનાર રજત પાટીદારના રમત પ્રત્યેના જુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2022માં આઈપીએલ બોલાવ્યા બાદ તેણે તેની લગ્નની તારીખ લંબાવી દીધી હતી.
ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર MPનો ચોથો ખેલાડી
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર હિરવાણી, રાજેશ ચૌહાણ અને નમન ઓઝા પછી, રજત પાટીદાર મધ્યપ્રદેશનો ચોથો ક્રિકેટર છે જેણે ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય. વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દ્વારા પાટીદારે ટેસ્ટ ફોર્મેટમાં પ્રવેશ કર્યો હતો.
રજતના પિતાનો મોટર પંપનો બિઝનેસ
30 વર્ષીય બેટ્સમેને કુલ 72 બોલનો સામનો કર્યો અને લેગ સ્પિનર રેહાન અહેમદના બોલને રમવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થતા પહેલા ત્રણ ચોગ્ગા ફટકારીને 32 રન બનાવ્યા. રજતના પિતા મનોહર પાટીદાર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ઈન્દોરના વ્યસ્ત મહારાણી રોડ માર્કેટમાં મોટર પંપનો બિઝનેસ કરે છે.
Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut
Go well #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU
— BCCI (@BCCI) February 2, 2024
મેચ માટે લગ્ન મુલતવી રાખ્યા
રજતના પિતાના કહેવા પ્રમાણે, અમે રજતના ટેસ્ટ ડેબ્યૂથી ખૂબ જ ખુશ છીએ, પરંતુ અમારા ઘરનું વાતાવરણ એકદમ સામાન્ય છે. બાળપણમાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડથી પ્રેરિત રજત આઠ વર્ષની ઉંમરે ઈન્દોરની એક ક્રિકેટ ક્લબમાં જોડાયો. રજત ક્રિકેટ પ્રત્યે ઊંડો સમર્પણ અને અનુશાસન ધરાવે છે.
IPL સિઝન પૂરી થયા બાદ કર્યા લગ્ન
મનોહર પાટીદારે જણાવ્યું કે રજતના લગ્ન મે 2022માં થવાના હતા અને પરિવારે તેની નિયત તારીખ માટે ઈન્દોરમાં એક હોટલ પણ બુક કરાવી હતી, પરંતુ એપ્રિલ 2022માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવા માટે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાયો. જે બાદ તેના લગ્નની તારીખ બદળવાં આવી અને IPL સિઝન પૂરી થયા બાદ જુલાઈ 2022માં રજતે ગુંજન સાથે લગ્ન કર્યા હતા.
2023માં વનડેમાં કર્યું ડેબ્યૂ
તમને જણાવી દઈએ કે રજતે 21 ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 12 સદી અને 22 અડધી સદી સહિત 4,000 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે કરી મોટી ભૂલો, હારી શકે છે ટેસ્ટ!