શું IPLમાંથી MS ધોનીની વિદાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવી જ હશે? ફેન્સના મનમાં ઉઠયા સવાલ
ધોનીને ઘૂંટણની જે પ્રકારની ઈજા છે અને જેના કારણે તેની ફિટનેસ પર અસર પડી છે તેને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે તેની છેલ્લી IPL હોઈ શકે છે. સાથે જ IPL 2023ની ફાઇનલના સંજોગો પણ ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જેવા જ બની રહ્યા છે, એવામાં ફેન્સ મેચના પરિણામને લઈ પ્રાથના કરી રહ્યા છે.
IPLની છેલ્લી 4 સિઝનમાં આ જ પ્રશ્ન વારંવાર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. શું MS ધોની માટેની આ છેલ્લી IPL સિઝન છે? જ્યારથી માહીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે, ત્યારથી આ સવાલ સતત ઉઠી રહ્યો છે અને દરેક વખતે ધોની તેના પ્રદર્શનથી જવાબ આપીને આ સવાલને ટાળે છે. હવે IPL 2023ની ફાઇનલમાં ફરી એકવાર આ જ પ્રશ્ન સામે આવ્યો છે, ત્યારે ધોનીની વિદાય અને અંતિમ મેચ કેવી રહેશે તેને લઈ ફેન્સમાં ચર્ચાઓ વધી ગઈ છે.
શું ધોની ખરેખર છેલ્લી IPL રમી રહ્યો છે?
ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારે પણ સ્થિતિ એવી જ બની ગઈ હતી, જે IPL 2023ની ફાઈનલમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે IPL 2023ની ફાઈનલને અનેક ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ધોનીની છેલ્લી મેચ તરીકે જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ધોનીએ પોતે પણ કહ્યું છે કે શું આ તેની છેલ્લી IPL હશે કે નહીં, તે નક્કી કરવા માટે તેની પાસે 8-9 મહિનાનો સમય છે.
ધોનીની વધતી ઉંમર, તેની ઘૂંટણની ઈજા અને ફિટનેસને લઈ તે ક્યારેય પણ સન્યાસની જાહેરાત કરી શકે છે, એવી ચર્ચાઓને જોતાં જો IPL 2023ની ફાઈનલ ધોનીની અંતિમ IPL મેચ હોય શકે છે, એવામાં ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે CSKના કેપ્ટનની IPLમાંથી વિદાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવી ન હોય.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય જેવો જ સંયોગ
હવે સવાલ એ છે કે ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં શું થયું? તો ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વરસાદ પડ્યો હતો અને મેચ સ્થગિત થયા બાદ રિઝર્વ ડે પર રમાઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2019 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ 9મી જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 10મી જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની ઈનિંગ દરમિયાન મેચમાં વરસાદ પડ્યો હતો. જે બાદ તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવી હતી.
અંતિમ મેચના પરિણામને લઈ ફેન્સ ચિંતિત
ક્રિકેટ ચાહકો પણ જાણે છે કે IPL 2023ની ફાઈનલ પણ ધોનીની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ જેવી બની ગઈ છે. પરંતુ બીજી તરફ ફેન્સ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે ધોનીની અંતિમ IPL મેચનું પરિણામ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જેવુ ના હોય. ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો અને ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ હાર સાથે ભારતનું 2019 વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું.