પૃથ્વી શોની ઈંગ્લેન્ડમાં ફટકાબાજી, 129 બોલમાં ફટકારી બેવડી સદી, જુઓ Video
રોયલ લંડન ODI કપ 2023ના ઈતિહાસમાં બેવડી સદી ફટકારનાર પૃથ્વી શો વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે 153 બોલમાં 244 રન ફટકાર્યા હતા. તેણે ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારી હોબાળો મચાવ્યો હતો.
પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. તેણે ઈંગ્લિશ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. તેણે આ કારનામું રોયલ લંડન ODI કપ 2023માં કર્યું હતું. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બેવડી સદી ફટકારનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. શોએ ઓલી રોબિન્સનના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
153 બોલમાં 244 રન ફટકાર્યા
ગયા વર્ષે, રોબિન્સને 206 રનની ઇનિંગ રમીને આ ટુર્નામેન્ટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો, જ્યારે શોએ 153 બોલમાં 244 રન ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો હતો. નોર્થમ્પટનશાયર તરફથી રમતા શોએ સમરસેટના બોલરોને બરાબર ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા નોર્થમ્પટનશાયરની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 415 રન બનાવ્યા હતા. ટીમના અડધાથી વધુ રન એકલા પૃથ્વી શોએ જ બનાવ્યા હતા.
Prithvi Shaw has another List A double century!
There are no words for how good this innings has been. pic.twitter.com/4WwfB9564F
— Northamptonshire CCC (@NorthantsCCC) August 9, 2023
સદીનો દુષ્કાળ સમાપ્ત થયો
પૃથ્વીએ 129 બોલમાં 24 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાના 200 રન પૂરા કર્યા. શો 244 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની તોફાની ઇનિંગ્સમાં તેણે 24 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. શો નોર્થમ્પટનશાયરની સિઝનની ત્રીજી ગ્રુપ મેચમાં ફોર્મમાં પાછો ફર્યો હતો. તેણે પ્રથમ બે મેચમાં 60 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી મેચમાં તેણે સદીનો દુષ્કાળ ખતમ કરી નાખ્યો હતો. તે આ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બની ગયો છે.
લિસ્ટ A ક્રિકેટમાં બીજી બેવડી સદી
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શો 34 રનમાં હિટ વિકેટ પર આઉટ થયો હતો, જ્યારે બીજી મેચમાં તેણે સસેક્સ સામે 26 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી મેચમાં બેવડી સદી ફટકારીને વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ઈંગ્લેન્ડ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. લિસ્ટ A ક્રિકેટમાં આ તેની બીજી બેવડી સદી છે.
This is 6 minutes of pure batting heaven from Prithvi Shaw.
Enjoy. pic.twitter.com/iKKjOOF3i1
— Northamptonshire CCC (@NorthantsCCC) August 9, 2023
આ પણ વાંચોઃ IND vs WI: સૂર્યકુમાર યાદવ T20માં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારનાર ભારતીય બન્યો, વિરાટ-રોહિતને પાછળ છોડ્યા
શો IPLમાં પણ સંઘર્ષ કરી રહ્યો હતો
23 વર્ષીય શો લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે છેલ્લી મેચ જુલાઈ 2021માં રમી હતી. તે ડોમેસ્ટિક સિઝન અને IPL 2023માં પણ સંઘર્ષ કરી રહ્યો હતો. તે દિલ્હી કેપિટલ્સ માટે 8 ઇનિંગ્સમાં માત્ર 106 રન જ બનાવી શક્યો હતો.