T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video
T20 વર્લ્ડ કપ 2021 માં ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું અને આ મેચમાં પાકિસ્તાની ચાહકોએ ન્યૂઝીલેન્ડને જોરદાર રીતે ચીડવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે (Pakistan Cricket Team) મંગળવારે રાત્રે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) માં રમાયેલી પોતાની બીજી મેચ જીતી લીધી. પ્રથમ મેચમાં ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) જેવી મજબૂત ટીમને સુપર-12માં હરાવ્યું હતું. પાકિસ્તાની ચાહકો આ બે જીતથી ફુલ્યા સમાતા નથી. વર્લ્ડ કપમાં પાકિસ્તાને પ્રથમ વખત ભારતને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાની ફેન્સ સેલિબ્રેશનમાં જ ડૂબી ગયા હતા.
હવે તે ન્યૂઝીલેન્ડ સામેની જીતની ઉજવણી પણ કરી રહ્યા છે. આ મેચ દરમિયાન અને પછી પાકિસ્તાની પ્રશંસકોએ ન્યૂઝીલેન્ડની ટીમને એક વાતને લઈને ઘણી ચીડવી હતી. મેચ દરમિયાન પાકિસ્તાની પ્રશંસકો ‘Security’ના નારા લગાવીને ન્યૂઝીલેન્ડને ચીડવતા રહેતા હતા.
મેચ દરમિયાન પણ સ્ટેન્ડ પર બેઠેલા પાકિસ્તાની ચાહકોએ ‘Security’ ‘Security’ ‘Security’ ના નારા લગાવીને ન્યૂઝીલેન્ડના ફિલ્ડરોને હેરાન કર્યા હતા. જ્યારે પાકિસ્તાની ટીમ જીતી હતી, ત્યાર બાદ જ્યારે બંને ટીમો હાથ મિલાવતા હતા, ત્યારે પણ પાકિસ્તાની ચાહકો રોકાયા નહોતા અને તેમને ચીડવતા રહ્યા હતા.
શું છે મામલો
આ વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. જ્યાં તેને વનડે અને ટી-20 સીરીઝ રમવાની હતી. પરંતુ પ્રથમ વનડેની શરૂઆતના થોડા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડે તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે તેની પાછળ સુરક્ષાનો હવાલો આપ્યો હતો.
ન્યુઝીલેન્ડે તે સમયે કહ્યું હતું કે, તેઓ તેમના બોર્ડ અને સરકાર તરફથી સુરક્ષાના જોખમને લઇ આશંકા દર્શાવી હતી. તેથી જ તેઓ પ્રવાસ રદ કરી રહ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ એક પણ મેચ રમ્યા વગર પાકિસ્તાન થી પરત ફરી હતી. આ પછી પાકિસ્તાનમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યાંના લોકોને આ વાત બિલકુલ પસંદ આવી નહોતી. આ બાબતને લઈને પ્રશંસકો મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓની ‘Security’ના નારા લગાવતા હતા.
SECURITY SECURITY SECURITY.. LMAO Love Pakistani fans. pic.twitter.com/BB4cEVU63H
— Rizwan (@Rizwow) October 26, 2021
Hahah this is hilarious 😂 Pakistani fans teasing New Zealand team by chanting Security Security in stadium after they lost the match today!#SecurityIssuesSorted #PAKvNZ #MaukaMauka #AsifAli pic.twitter.com/xiHmsDum7v
— Zahoor Hassan (@ZahoorHassan19) October 26, 2021
આવી રહી મેચ
આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, ટીમ વધુ સ્કોર કરી શકી ન હતી અને આઠ વિકેટના નુકસાને 134 રન જ બનાવી શકી હતી. તેના માટે ડાર્લી મિશેલે 27 અને ડેવોન કોનવેએ પણ 27 રનનું યોગદાન આપ્યું હતું. કેન વિલિયમસન માત્ર 25 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાનને જીતવા માટે 135 રન બનાવવાના હતા. તેણે આ લક્ષ્યાંક 18.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ.
મોહમ્મદ રિઝવાને ફરી શાનદાર ઇનિંગ રમી અને 34 બોલમાં 33 રન બનાવ્યા હતા. શોએબ મલિકે અણનમ 26 અને આસિફ અલીએ અણનમ 27 રન બનાવી ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી બોલિંગમાં શાનદાર દેખાવ કરનાર હરિસ રઉફને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી હતી.