Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC
Pakistan to tour India: ICC એ વનડે વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ જાહેર કરી દીધુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે હાઈવોલ્ટેજ જંગ જામશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે.
વનડે વિશ્વ કપ 2023 (World Cup 2023) આગામી 5 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે. વિશ્વની 10 ક્રિકેટ ટીમો ભારતમાં દોઢેક મહિનો ચેમ્પિયન બનવા માટે જંગ ખેલશે. જોકે વિશ્વભરના ક્રિકેટ રસીયાઓની નજર ભારત અને પાકિસ્તાન મેચની તારીખ પર હતી. તારીખ સાથે સ્થળ પણ મહત્વની વાત હતી. કારણ કે સ્થળને લઈ પાકિસ્તાને પહેલાથી જ વાંધા રજૂ કર્યા હતા. પરંતુ આઈસીસીએ જારી કરેલા શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ટક્કર થશે. આ બધી વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે વિશ્વ કપ રમવા માટે આવી રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતમાં ટીમને વિશ્વ કપ રમવા માટે મોકલવાને લઈ જુદી જુદી વાતો કરી રહી હતી. પરંતુ પરંતુ આ દરમિયાન આઈસીસીએ જ શેડ્યૂલ જાહેર કરવા સાથે પાકિસ્તાન વિશ્વ કપ 2023 રમવા માટે ભારત આવશે એ વાત સ્પષ્ટ કરી દીધી છે. પાકિસ્તાનની અકડ થી લઈને મોટી મોટી વાતો ભરી જીદ બધુ જ એક એલાનમાં દબાઈ ગયુ. પાકિસ્તાને પોતાના નિવેદનો અને સ્ટેન્ડથી પાછા હટવુ પડ્યુ છે અને સ્થિતી હવે એવી થઈ છે કે ભારત સામે ઘૂંટણ ટેકવા પડ્યા છે.
ભારત આવશે પાકિસ્તાન ટીમ
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 46 દિવસ સુધી 10 ટીમો ધમાલ મચાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં રમાનારી છે. અહીં રમવા માટે પાકિસ્તાન પહેલા આનાકાની કરી રહ્યુ હતુ. પરંતુ પાકિસ્તાનના છેલ્લા કેટલાક મહિનાઓના સૂર એક એલાન સાથે બંધ થઈ ગયા છે. મંગળવારે આઈસીસીએ વિશ્વ કપ શેડ્યૂલને જારી કરી દીધુ છે અને જેમાં પાકિસ્તાનની મેચના સ્થળ અને તારીખનુ એલાન કરવામાં આવ્યુ છે.
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન આવે એવી માંગ કરી રહ્યુ હતુ. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે જે અંગે શરુઆતથી જ ના ભણી દીધી હતી. પાકિસ્તાને હાઈબ્રીડ મોડલ એશિયા કપ ટૂર્નામેન્ટને લઈ રજૂ કર્યુ હતુ. જેને લઈ ભારતે સ્વિકાર્યુ નહોતુ. પાકિસ્તાન હાઈબ્રીડ મોડલમાં ભારતીય ટીમની મેચને પાકિસ્તાન બહાર રમાડવા માટેનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો.
આઈસીસીએ કહ્યુ-પાકિસ્તાન આવશે ભારત
એશિયા કપનુ શેડ્યૂલ જારી થવાને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદન બાજી શરુ કરી હતી. પાકિસ્તાને અંતમાં એવા પણ નિવેદન કરવામાં આવ્યા હતા કે, તેમનો ભારત આવવા માટેનો નિર્ણય પાકિસ્તાન સરકાર કરશે. જે નિર્ણય પાકિસ્તાન સરકાર કરશે એ મુજબ બોર્ડ આગળ અનુસરશે. જોકે આ દરમિયાન હવે આઈસીસીએ શેડ્યૂલ જારી કરી દીધુ છે.
🇮🇳 v 🇵🇰
Date and venue for the highly-anticipated clash between India and Pakistan at the ICC Men’s Cricket World Cup 2023 👇#CWC23 https://t.co/TZlm0sZBwP
— ICC (@ICC) June 27, 2023
શેડ્યૂલ જારી કરવા સાથે આઈસીસીએ કહ્યુ છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિશ્વ કપ 2023 રમવા માટે ભારત આવશે. આઈસીસીએ આ વાત કરી છે એટલે વાતમાં દમ હોવાનો સ્વિકાર કરવો જ રહ્યો. આઈસીસી ક્રિકેટ વિશ્વની વડી સંસ્થા છે. આમ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતીય ધરતી પર ક્રિકેટ રમતી લાંબા અરસા બાદ જોવા મળશે.