ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઝટકા બાદ પાકિસ્તાન ટીમને વધુ એક મોટો ફટકો, અનુભવી ખેલાડીએ છોડી ટીમ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ ફેન્સના ગુસ્સાનો સામનો કરી રહેલ પાકિસ્તાન ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ટીમના બેટિંગ કોચ મોહમ્મદ યુસુફે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાની ટીમ બુધવારે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 અને ODI શ્રેણી માટે રવાના થવાની છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયેલી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાન ન્યુઝીલેન્ડના પ્રવાસે જવા જઈ રહ્યું છે અને રવાના થવાના માત્ર 24 કલાક પહેલા, એક અનુભવી ખેલાડી ટીમ છોડીને ચાલ્યો ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ વિશે જેમણે પોતાની પુત્રીની બીમારીને કારણે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન યુસુફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને જાણ કરી છે કે તે આ પ્રવાસમાં જોડાઈ શકશે નહીં.
યુસુફની દીકરીની તબિયત ખરાબ છે
મોહમ્મદ યુસુફને તાજેતરમાં પાકિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેની પુત્રીની બીમારીને કારણે યુસુફે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી ખસી ગયો. PCBએ જણાવ્યું હતું કે યુસુફના સ્થાને અન્ય કોઈ કોચની પસંદગી કરવામાં આવશે નહીં અને ટીમ બુધવારે ન્યુઝીલેન્ડ જવા રવાના થશે.
પાંચ T20 અને ત્રણ વનડે મેચનું આયોજન
પાકિસ્તાન ટીમ ન્યુઝીલેન્ડ સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમશે. યુસુફ સિવાય ટીમના કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આકિબ જાવેદને ટીમના કાર્યકારી મુખ્ય કોચ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે અઝહર મહમૂદ સહાયક કોચ તરીકેની ભૂમિકામાં ચાલુ રહેશે.
મુખ્ય કોચ શોધી રહ્યું છે PCB
PCBએ કહ્યું છે કે ન્યુઝીલેન્ડ પ્રવાસ પછી ટીમ માટે કાયમી મુખ્ય કોચની નિમણૂક માટે જાહેરાત જારી કરવામાં આવશે. આ પહેલા આકિબ જાવેદને વચગાળાના મુખ્ય કોચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી છે. મોહમ્મદ યુસુફ PCBની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સિનિયર કોચ તરીકે કામ કરે છે. તે પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. જોકે, આ વખતે તે તેની પુત્રીની તબિયત ખરાબ હોવાને કારણે ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસે જઈ શકશે નહીં.
ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત
ઈન્ડિયન પ્રીમિયર લીગ નજીક આવતાની સાથે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે તેના નિયમિત ખેલાડીઓને આરામ આપ્યો છે. આ કારણે ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનાર માઈકલ બ્રેસવેલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિયમિત કેપ્ટન મિશેલ સેન્ટનરને આરામ આપવામાં આવ્યો છે. બ્રેસવેલ ઉપરાંત, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમનારા 6 વધુ ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર અને મર્યાદિત ઓવરોના કેપ્ટન સેન્ટનર IPL કરારને કારણે શ્રેણી માટે ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: IPL 2025 પહેલા મોટો ઝટકો, 11 કરોડ રૂપિયાની કિંમતનો આ ખેલાડી અડધી સિઝનમાંથી થયો બહાર