હવે ક્રિકેટમાં આપવામાં આવશે રેડ કાર્ડ, આ ભૂલ માટે ખેલાડીને મેદાનની બહાર જવું પડશે
T20 મેચોને વધુ રોમાંચક બનાવવા ક્રિકેટમાં રેડ કાર્ડનો નવો નિયમ આવી રહ્યો છે. આ નિયમ કેટલો સારો છે તે તો સમય જ કહેશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે હવે જો કોઈ ટીમ આ ભૂલ કરશે તો તેના એક ખેલાડીને મેદાનની બહાર જવું પડશે.
ફૂટબોલ (Football) સહિત અન્ય કેટલીક રમતોમાં રેડ કાર્ડ (Red Card)ના નિયમો જોવાની આપણને આદત પડી ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે હવે ક્રિકેટ (Cricket) માં પણ રેડ કાર્ડનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. આનો ઉપયોગ કરીને ચાલુ ક્રિકેટ મેચમાં ખેલાડીને મેદાનની મોકલવામાં આવશે, જે અન્ય રમતોમાં જોવા મળે છે.
ICC ક્રિકેટમાં આ નિયમ લાગુ નહીં થાય
હવે જો તમે વિચારી રહ્યા છો કે ICC ક્રિકેટમાં આ નવો નિયમ લાવી રહ્યું છે તો તમે ખોટા છો. આ નવો નિયમ હમણાં જ કેરેબિયન પ્રીમિયર લીગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જે તેની આગામી સિઝનથી શરૂ કરવા જઈ રહી છે. CPL 2023માં રેડ કાર્ડના ઉપયોગનું એકમાત્ર કારણ સ્લો ઓવર રેટની સમસ્યાને દૂર કરવાનું છે.
કેરેબિયન પ્રીમિયર લીગની પહેલ
અત્યાર સુધી દંડ લાદવા સિવાય સ્લો ઓવર રેટ અંગે કોઈ કડક નિયમો નહોતા. મહત્તમ ત્રણ વખત જ્યારે કોઈ ટીમ ધીમી ઓવર રેટની પકડમાં ફસાઈ જાય છે, તો તેના કેપ્ટન પર 1 મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરંતુ, આમ છતાં ધીમા ઓવર રેટની સમસ્યા યથાવત છે. અને તે માત્ર વિશ્વની દરેક T20 લીગમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શ્રેણી અને ટૂર્નામેન્ટમાં પણ સમાન છે. આવી સ્થિતિમાં હવે CPLએ રેડ કાર્ડના રૂપમાં આ દિશામાં પહેલ કરી છે.
New over rate penalties for CPL and WCPL matches.
READ MORE ➡️ https://t.co/iOkRVi77yB #CPL23 #WCPL #CricketPlayedLouder #BiggestPartyinSport pic.twitter.com/awWvl7eVUJ
— CPL T20 (@CPL) August 12, 2023
સ્લો ઓવર રેટ પર ‘રેડ કાર્ડ’
કેરેબિયન પ્રીમિયર લીગના ઓપરેશન ડાયરેક્ટર માઈકલ હોલે આ મુદ્દે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે અમને દુઃખ છે કે T20 મેચોની સમયમર્યાદા દર વર્ષે વધી રહી છે. આવી સ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે આ ટ્રેન્ડનો અંત આવે. હવે સવાલ એ છે કે ક્રિકેટમાં રેડ કાર્ડનો અમલ કેવી રીતે થશે, તો તેના માટે યોજના પણ તૈયાર છે.
ઓવર રેટ ઓછો તો એક ખેલાડી બહાર
જો 18મી ઓવર શરૂ થાય તે પહેલા ટીમનો ઓવર રેટ નિર્ધારિત સમયમાં ઓછો જોવા મળે છે, તો તેના એક ખેલાડીએ સર્કલની અંદર આવવું પડશે. એટલે કે 4 ને બદલે કુલ 5 ખેલાડીઓ 30 યાર્ડ સર્કલની અંદર હશે. તેવી જ રીતે, જો 19મી ઓવરમાં ઓવર રેટમાં પાછળ હશે તો બે ખેલાડીઓએ 30 યાર્ડ સર્કલની અંદર આવવું પડશે. એટલે કે પછી 4 નહીં 6 ખેલાડીઓ 30 યાર્ડના સર્કલમાં હશે.
પરંતુ, જો ટીમ 20મી એટલે કે છેલ્લી ઓવરની શરૂઆત પહેલા ઓવર રેટનો શિકાર જોવા મળે છે, તો ટીમે તેમના એક ખેલાડીને ગુમાવવો પડશે. બેટિંગ ટીમના કેપ્ટન જેને પસંદ કરશે તે કોઈપણ એક ખેલાડી મેદાનની બહાર જશે અને, તેના 6 ખેલાડીઓ પણ 30 યાર્ડ સર્કલની અંદર રહેશે.
Red cards in cricket anyone? 🟥 https://t.co/RRXWSRaoPe
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2023
બેટિંગ કરનાર ટીમને પણ દંડ ફટકારવામાં આવશે
એવું નથી કે CPLમાં નિયમો માત્ર ફિલ્ડિંગ કરનારી ટીમ માટે જ બનાવવામાં આવ્યા છે. ઘણી વખત બેટિંગ ટીમના બિનજરૂરી સમયનો વ્યય કરવાથી પણ T20 મેચ લંબાય છે. આ માટે પણ તેને અમ્પાયર દ્વારા પહેલી અને અંતિમ ચેતવણી આપવામાં આવશે, ત્યારબાદ તેમને 5 રનનો દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો : IND vs WI: ટીમ ઈન્ડિયાએ જીત સાથે બનાવ્યો રેકોર્ડ, યશસ્વીએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો
એક ઈનિંગ 85 મિનિટમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય
જણાવી દઈએ કે નિયમો અનુસાર T20 ક્રિકેટમાં એક ઈનિંગ 85 મિનિટની હોય છે. 17મી ઓવર 72 મિનિટ 15 સેકન્ડમાં, 18મી ઓવર 76 મિનિટ 30 સેકન્ડમાં, 19મી ઓવર 80 મિનિટ 45 સેકન્ડમાં અને 20મી ઓવર 85 મિનિટમાં પૂરી કરવી જોઈએ. CPLએ કહ્યું હતું કે અમે અમારી નવી સિઝન પર નજર રાખીશું અને મેચની દરેક ઇનિંગ તેના નિર્ધારિત સમયમાં પૂરી કરવાનો પ્રયાસ કરીશું. CPL 2023 17 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 31મી ઓગસ્ટ સુધી ચાલશે.