Asia Cup : ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, શ્રેયસ અય્યર એશિયા કપમાંથી થઈ શકે છે બહાર
એશિયા કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યરની ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે હજી પણ શંકા સેવાઇ રહી છે, કારણ કે તે હજી સુધી ફિટ થઈ શક્યો નથી.

એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગી શકે છે. ભારતીય ટીમનો બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજામાંથી હજી સાજો થઈ શક્યો નથી અને હવે તેના એશિયા કપમાં રમવા અંગે સસ્પેન્સ વધી ગયું છે, જેના કારણે હવે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
શ્રેયસ અય્યરની વાપસી પર મુસીબતોના વાદળો ઘેરાઈ રહ્યા છે. અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તે હજી સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે અને હવે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એવામાં હવે શ્રેયસ અય્યરના સિલેક્શનને લઈ મુંઝવણ ઊભી થઈ છે.
Shreyas Iyer has still not recovered from his back injury 🤯#ShreyasLyer #CricketTwitter #TeamIndia pic.twitter.com/GbMq1TIfcp
— InsideSport (@InsideSportIND) June 25, 2023
અય્યર NCAમાં કરી રહ્યો છે તૈયારી
શ્રેયસ અય્યરે આ વર્ષે લંડનમાં સર્જરી કરાવી હતી અને એપ્રિલમાં સર્જરી બાદ તે પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે. અય્યર હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ઈજામાંથી સાજા થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે સતત ફીઝીઓથેરાપી સેશન લઈ રહ્યો છે અને જલ્દી ફિટ થઈ ટીમમાં પરત ફરવા મહેનત કરી રહ્યો છે. પરંતુ તે હજી સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. અય્યરને પીઠના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને મટાડવા ઇન્જેકશન પણ લઈ રહ્યો છે.
ઈજાના કારણે મોટી ટુર્નામેન્ટો ગુમાવી
શ્રેયસ અય્યર ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ કારણથી તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં પણ શ્રેયસને સ્થાન નથી મળ્યું અને હવે ટૂંક સમયમાં એશિયા કપ અંગે ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે.
Shreyas Iyer unlikely to recover on time for Asia Cup 2023. (Reported by TOI). pic.twitter.com/mv2aTnYxUD
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023
31 ઓગસ્ટથી એશિયા કપ
એશિયા કપ 2023 31 ઓગસ્ટથી યોજાવાનો છે. એશિયા કપનું આયોજન આ વખતે શ્રીલંકા અને પાકિસ્તાનમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટની 9 મેચ શ્રીલંકામાં અને 4 મેચ પાકિસ્તાનમાં રમાશે.