T20 World Cup: બાંગ્લાદેશ માટે વિશ્વકપના અધવચ્ચે લાગ્યો ઝટકો, તેનો આ મહત્વનો ખેલાડી થયો બહાર
ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની સફર બાંગ્લાદેશ માટે અત્યાર સુધી બહુ સારી રહી નથી. તે સ્કોટલેન્ડ સામે અપસેટનો શિકાર બની હતી અને ત્યારબાદ તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભાગ લઈ રહેલી બાંગ્લાદેશની ટીમ વચ્ચેની ટુર્નામેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીન (Mohammad Saifuddin) પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર, તેના સ્થાને રુબેલ હુસૈન (Robel Hossain)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
હવે તે બુધવારે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. આ મેચ અબુ ધાબીમાં રમાવાની છે. સૈફુદ્દીન આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ માટે અત્યાર સુધીની તમામ મેચ રમી ચૂક્યો છે.
સોમવારે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ મેચમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરમાં 38 રન આપ્યા અને એક વિકેટ પોતાના નામે કરી. જોકે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. તેના સ્થાને આવનાર રૂબેલ હુસૈન ઘણો અનુભવી છે. તેણે પોતાના દેશ માટે 159 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 28 ટી20 મેચ રમી છે. તેણે T20 મેચોમાં 28 વિકેટ લીધી છે.
તેણે 104 ODI મેચમાં 129 વિકેટ લીધી છે. તેણે બાંગ્લાદેશ માટે 27 ટેસ્ટ મેચ રમી છે અને 36 વિકેટ લીધી છે. હુસૈને 6 જૂન, 2009ના રોજ ભારત સામે ટી20 માં પદાર્પણ કર્યું હતું. તેણે તેની છેલ્લી T20 મેચ 1 એપ્રિલ 2021ના રોજ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.
બાંગ્લાદેશ માટે ખરાબ શરૂઆત
આ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની શરૂઆત સારી રહી નથી. તે ગ્રુપ-1 ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ટીમ સામે હારી ગઈ હતી. આ પછી તેણે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીને હરાવીને સુપર-12માં સ્થાન બનાવ્યું હતું. તેની શરૂઆત પણ સારી નહોતી થઈ. તેમને શ્રીલંકા દ્વારા પાંચ વિકેટે હાર મળી હતી. આમ ઈંગ્લેન્ડ સામે રમાનારી મેચ તેના માટે ખૂબ મહત્વની છે.
જો તેણે આ વર્લ્ડ કપમાં ટકી રહેવું હોય તો તેણે ઈંગ્લેન્ડ સામેની મેચ જીતવી પડશે. આ પછી તેને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાનું છે. બાંગ્લાદેશની ટીમ 29 ઓક્ટોબરે શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. 2 નવેમ્બરે તેને અબુ ધાબીમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે. 4 નવેમ્બરે તેને દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે.