Krishnappa Gowtham, IPL 2022 Auction: માલા-માલ ધમાલ વચ્ચે આ ખેલાડીને પુરા કરોડ રુપિયા પણ ના મળ્યા, ગત સિઝનમાં 9.25 કરોડ સાથે રેકોર્ડ સર્જ્યો હતો
Krishnappa Gowtham Auction Price: કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, આ ઓલરાઉન્ડરને 9.25 કરોડમાં ખરીદ્યો હતો.
કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham), જે ગત IPL સિઝનના સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો, તેને આઇપીએલ 2022ની હરાજી (IPL 2022 Auction) માં મોટું નુકસાન વેઠવુ પડ્યુ છે. તે સિધો જ 9 માળ થી પહેલા માળે પટકાયા જેવો અનુભવ કરી રહ્યો હશે. ગત સિઝનમાં 9 કરોડ થી વધુ રકમ મેળવી અનકેપ્ડ ખેલાડી તરીકે ચર્ચા જગાવનાર ગૌતમને લખનૌ સુપરજાયન્ટ્સે (Lucknow Super Giants) માત્ર 90 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. કૃષ્ણપ્પા ગૌતમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ગત સિઝનમાં ગૌતમને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.
ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. ગૌતમ ને છેલ્લી સિઝનમાં રૂ. 9.25 કરોડમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ઓલરાઉન્ડરને મોટી રકમ ચૂકવીને પોતાનો બનાવ્યો હતો, જોકે આ ખેલાડી છેલ્લી સિઝનમાં એક પણ મેચ રમ્યો નહોતો.
કૃષ્ણપ્પા ગૌતમે IPLમાં 24 મેચ રમી છે, જે દરમિયાન તેના ખાતામાં 13 વિકેટ આવી છે. ગૌતમે 14.30ની એવરેજથી 186 રન બનાવ્યા છે. ગૌતમનો સ્ટ્રાઈક રેટ 170ની નજીક છે. ગૌતમ અત્યાર સુધી IPLની માત્ર ત્રણ સિઝન રમ્યો છે. વર્ષ 2018માં આ ખેલાડીને રાજસ્થાન રોયલ્સે 6.20 કરોડમાં ખરીદ્યો હતો. તે સિઝનમાં ગૌતમે 15 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. આ પછી ગૌતમ 2019ની સિઝનમાં 7 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો અને 2020માં તે 2 મેચમાં એક વિકેટ લઈ શક્યો હતો. તેણે 2021ની સિઝનમાં એક પણ મેચ રમી ન હતી. મતલબ, છેલ્લી ત્રણ સિઝનમાં ગૌતમે માત્ર 2 વિકેટ લીધી છે અને તેણે બેટિંગમાં વધુ યોગદાન આપ્યું નથી, કારણ કે તેને આવી તકો મળી નથી.
કૃષ્ણપ્પા ગૌતમનો T20 રેકોર્ડ
કૃષ્ણપ્પા ગૌતમે T20માં 67 મેચ રમી છે જેમાં તેના નામે 48 વિકેટ છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 7.39 રન પ્રતિ ઓવર છે. ગૌતમે T20માં 2 અડધી સદી પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021માં કૃષ્ણપ્પા ગૌતમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 5 મેચમાં 7 વિકેટ લીધી અને બેટિંગમાં તે 5ની એવરેજથી માત્ર 16 રન બનાવી શક્યો. કદાચ આ જ કારણ છે કે તેને IPL 2022ની હરાજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, કૃષ્ણપ્પા ગૌતમ માટે સારી વાત એ હશે કે તેને લખનૌ સુપરજાયન્ટમાં મેચ રમવાની તક મળી શકે છે. ચેન્નાઈએ તેને એક પણ મેચ રમાડી ન હતી.
લખનૌ સુપરજાયન્ટ ટીમની વાત કરીએ તો તેમની પાસે દીપક હુડા, કૃણાલ પંડ્યા જેવા ઓલરાઉન્ડર છે, પરંતુ જો જરૂર પડશે તો ગૌતમને પણ તક મળી શકે છે.