એશિયા કપની યજમાની અંગે જય શાહે કર્યો ખુલાસો, કહ્યું શા માટે તેણે પાકિસ્તાનની અવગણના કરી
એશિયા કપ 2023 પાકિસ્તાનમાં યોજાવાનો હતો. પરંતુ BCCIએ સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો કે તે આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલે. આ પછી પાકિસ્તાને સૂચવ્યું કે ભારતની મેચ પાકિસ્તાનની બહાર UAEમાં યોજવામાં આવી શકે છે. પરંતુ ACC એ મેચો શ્રીલંકામાં યોજવાનું નક્કી કર્યું અને પાકિસ્તાનને માત્ર ચાર મેચોની યજમાની સોંપી. બાકીની નવ મેચો શ્રીલંકાને સોંપવામાં આવી હતી. આ અંગે જાય શાહે ખુલાસો કર્યો હતો અને નજમ સેઠીને અરીસો બતાવ્યો હતો.

એશિયા કપ 2023 (Asia Cup 2023) નું આયોજન શ્રીલંકા અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. જોકે, શ્રીલંકામાં મેચ યોજવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે અને તેનું કારણ વરસાદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ભૂતપૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલને આડે હાથ લીધું હતું અને કહ્યું હતું કે તેઓએ શ્રીલંકામાં મેચ યોજવાની ના પાડી હતી અને તેના બદલે યુએઈમાં મેચ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે ACC પ્રમુખ જય શાહે (Jay Shah) નજમ સેઠીના આરોપો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
જય શાહે નજમ સેઠીના આરોપોનો જવાબ આપ્યો
હવે BCCI સેક્રેટરી અને ACC પ્રમુખ જય શાહે UAE અને પાકિસ્તાનમાં વધુ મેચ ન યોજવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. શાહે કહ્યું છે કે UAEમાં ગરમી અને PCBમાં ટોચના સ્થાનોમાં સતત ફેરફારને કારણે મેચ શ્રીલંકામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે T20 વર્લ્ડ કપ UAEમાં રમાયો હતો પરંતુ એશિયા કપ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને બંને વચ્ચે ઘણો તફાવત છે. શાહે કહ્યું કે ACC ટીમે આમાં તેની હાઈ પરફોર્મન્સ ટીમનો અભિપ્રાય લીધો. ટીમે સપ્ટેમ્બરમાં વનડે મેચ રમવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : World Cup 2023: ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ સામે આવ્યા ઘણા સવાલો, જલ્દી શોધવા પડશે જવાબ !
પાકિસ્તાનમાં સુરક્ષા અને આર્થિક સ્થિતિને લઈ ચિંતા
જય શાહે કહ્યું હતું કે એશિયા કપ 2023 સાથે સાથે સંકડાયેલ તમામ સહયોગી દેશોના પ્રતિનિધિઓ પાકિસ્તાનમાં મેચ યોજવા માટે અચકાતા હતા. જય શાહે કહ્યું કે તમામ ભૂતપૂર્વ સભ્યો સિવાય, જેમને મીડિયા અધિકારો મળ્યા હતા તેઓ પણ પાકિસ્તાનમાં મેચ યોજવા અંગે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં સુરક્ષા અને આર્થિક સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જય શાહે PCB ના ભૂતપૂર્વ અધ્યક્ષ નજમ સેઠીને કહ્યું કે ACC પ્રમુખ તરીકે તેમનું કામ આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉકેલ શોધવાનું છે.