IPL 2022 Points Table: મુંબઈની સ્થિતી કફોડી, 7 મેચ હારીને રોહિત શર્માની ટીમને પોઈન્ટના નામે ‘મીંડુ’
IPL Points Table in Gujarati: આ મેચની પોઈન્ટ ટેબલના અન્ય કોઈપણ ભાગ પર કોઈ અસર થવાની ન હતી અને તેથી પ્રથમ સ્થાનથી છેલ્લા સ્થાન સુધીની સ્થિતિ એ જ રહી છે.
IPL 2022 ને ચાર અઠવાડિયા પૂરા થવાના છે અને 33 મેચો પૂરી થઈ ગઈ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની પ્રથમ જીતની રાહ હજુ પણ પૂરી થઈ નથી. ગુરુવારે, રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ, જે તેના સૌથી મોટા હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે મેદાનમાં ઉતરી હતી, તેણે રોમાંચક મેચમાં છેલ્લા બોલે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત સાતમી હાર હતી અને આમ ફરી એકવાર પાંચ વખતની ચેમ્પિયન ટીમ આઈપીએલ પોઈન્ટ ટેબલ (IPL Points Table) માં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. જ્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો સંબંધ છે ત્યાં સુધી, ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે સિઝનની તેમની બીજી જીત સાથે પ્લેઓફની તેમની પાતળી તકો જાળવી રાખી છે.
આ મેચ પહેલા બંને ટીમો 6-6 મેચ રમી હતી, જેમાં CSK નો એકમાં વિજય થયો હતો, જ્યારે મુંબઈની ઝોળી ખાલી હતી. જોકે, ચેન્નાઈ સામેના મજબૂત રેકોર્ડને જોઈને માનવામાં આવી રહ્યું હતું કે મુંબઈ આ વખતે ખાતું ખોલશે. મેચના પ્રથમ દાવમાં મુશ્કેલ બેટિંગ સ્થિતિમાંથી બહાર આવ્યા પછી, મુંબઈએ બોલ સાથે સારો દેખાવ કર્યો અને છેલ્લી ઓવરમાં જીતની વધુ નજીક હતી. ત્યારબાદ 20મી ઓવરના બાકીના 4 બોલમાં એમએસ ધોનીએ 16 રન ફટકારીને મુંબઈ પાસેથી જીતની આ તક છીનવી લીધી.
પોઈન્ટ ટેબલની સ્થિતિ યથાવત્
આ પરિણામથી પોઈન્ટ ટેબલમાં કોઈ ફરક પડ્યો નથી અને કોઈપણ ટીમનું સ્થાન બદલાયું નથી. આ મેચ છેલ્લી બે ટીમો વચ્ચે હતી. આ મેચ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને હતી અને હજુ પણ છે. તે જ સમયે, ચેન્નાઈ હજુ પણ નવમા સ્થાને છે, પરંતુ તેણે 2 વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે, જેના આધારે તેના 7 મેચમાં 4 પોઈન્ટ છે. આ રીતે લીગ તબક્કાની 33મી મેચ બાદ ગુજરાત ટાઇટન્સ પ્રથમ સ્થાને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે. બંનેના 10-10 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સ હાલમાં પ્લેઓફમાં ત્રીજા સ્થાને છે અને લખનૌ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાને છે.
#IPL2022 Points Table as on 22-04-2022.#TV9News #IPL #IndianPremierLeague pic.twitter.com/SrWOwPpFBr
— Tv9 Gujarati (@tv9gujarati) April 22, 2022
દિલ્હી-રાજસ્થાનની ટક્કર પર નજર
હવે જો તમે પોઈન્ટ ટેબલમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા માંગતા હોવ તો તમારે શુક્રવારે 22 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચની રાહ જોવી પડશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચો જીતી છે, પરંતુ પોઈન્ટ્સમાં તફાવત છે. રાજસ્થાનના 8 પોઈન્ટ છે જ્યારે દિલ્હીના 6 પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાને છે. જો રાજસ્થાન આ મેચ જીતશે તો તે પ્રથમ સ્થાને આવી જશે. બીજી તરફ જો દિલ્હી જીતશે તો તે રાજસ્થાન સહિતની બાકીની ટીમોને પાછળ છોડીને ત્રીજા સ્થાને પ્રવેશ કરશે.