રિકી પોન્ટિંગ IPLમાં દિલ્હી કેપિટલ્સના કોચ હતો. 2018માં તેને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. જો કે, હવે ફ્રેન્ચાઈઝીએ તેને આ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેને મોટો ફટકો પડશે. કરોડોનું નુકસાન પણ થશે. દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝી તેને એક સિઝન માટે 3.5 કરોડ રૂપિયા આપતી હતી. પોન્ટિંગના પદ છોડતાની સાથે જ તેનો કરોડોનો પગાર બંધ થઈ જશે.
તમને જણાવી દઈએ કે IPL 2024ની સિઝન દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી ન હતી. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી અને છઠ્ઠા સ્થાને રહી હતી. આ કારણોસર નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો ખુલાસો ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ કર્યો છે.
સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પ્રમુખ રહી ચૂક્યા છે. IPLમાં, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ તેમને ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી છે. તેમનું કામ ટીમના પ્રદર્શન પર નજર રાખવાનું અને તેના સુધાર માટે પગલાં લેવાનું છે. પોન્ટિંગના મુખ્ય કોચ બન્યા બાદ ટીમને વધુ સફળતા મળી ન હતી. હવે ગાંગુલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેણે વધુમાં જણાવ્યું કે હવે તે ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર પોન્ટિંગને હટાવવાની માહિતી પણ આપી છે અને તેનો આભાર માન્યો છે.
એક ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ દિલ્હી કેપિટલ્સ માટે એકવાર IPL ટ્રોફી જીતવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આવતા વર્ષે એક મેગા ઓક્શન થવાનું છે અને હવે તે ટીમના મુખ્ય કોચ છે, તે હવેથી તેના માટે પ્લાનિંગ શરૂ કરશે અને મેનેજમેન્ટ પાસેથી ભારતીય કોચિંગ સ્ટાફને લાવવાની માંગ કરશે.
રિકી પોન્ટિંગ 2018માં દિલ્હી કેપિટલ્સનો કોચ બન્યો હતો અને તેણે 7 સિઝન સુધી આ જવાબદારી નિભાવી હતી. આ સમયગાળા દરમિયાન, તે 2020 સિઝનમાં માત્ર એક જ વાર ટીમને ફાઈનલમાં લઈ જવામાં સફળ રહ્યો હતો, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને હરાવ્યું હતું. તેના કાર્યકાળ દરમિયાન દિલ્હીની ટીમ પ્રથમ સિઝનમાં છેલ્લા સ્થાને રહી હતી. તે પછી 2019, 2020 અને 2021 માં પ્લે-ઓફમાં પહોંચ્યા હતા, પરંતુ ટ્રોફી જીતી શક્યા નહીં. ત્યારબાદ દિલ્હી છેલ્લી 3 સિઝનમાં પ્લે-ઓફમાં પણ પહોંચી શક્યું નહીં.
આ પણ વાંચો: 26 જુલાઈથી ભારત-શ્રીલંકા સિરીઝ નહીં રમાય, BCCIએ અચાનક નવું શેડ્યૂલ કર્યું જાહેર
Published On - 9:09 pm, Sat, 13 July 24