IPL 2023 : ફાઈનલમાં માત્ર 4 રન બનાવી રોહિતને પાછળ છોડી દેશે ધોની
આજે IPLની 16મી સિઝનની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પાંચમી વાર ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે, જ્યારે બીજી તરફ હાર્દિક પંડયાની આગેવાનીમાં ગજરાત ટાઈટન્સની ટીમ સતત બીજીવાર ટાઈટલ કબજે કરવા પ્રયાસ કરશે. આજની મેચમાં બધાની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે.
આજે મેદાનમાં ઉતરતાની સાથે જ ધોની IPLમાં 250 મેચ રમનાર સૌપ્રથમ ખેલાડી બની જશે. સાથે જ આજે મહેન્દ્ર સિંહ ધોની એક ખેલાડી તરીકે તેની 11મી ફાઈનલ પણ રમશે. ધોનીએ અત્યાર સુધી IPLની 10 ફાઈનલમાં 180 રન બનાવ્યા છે, જો આજની મેચમાં ધોની વધુ ચાર રન બનાવશે તો તે રોહિત શર્માને પાછળ છોડી દેશે. રોહિતે IPLની ફાઇનલમાં 6 મેચ રમીને 183 રન બનાવ્યા છે.
IPL ફાઈનલમાં ધોનીના 180 રન
IPLની ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાનું નામ ટોપ પર છે. રૈનાએ ફાઈનલમાં સૌથી વધુ 249 રન બનાવ્યા છે, ત્યારબાદ 236 રન સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન આ લિસ્ટમાં બીજા ક્રમે છે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે, જેણે ફાઈનલમાં 183 રન બનાવ્યા છે, ત્યારબાદ 181 રન સાથે મુરલી વિજય અને 180 રન સાથે એમએસ ધોની છે.
આ પણ વાંચો:ગુજરાત પાસે સતત બે સિઝનમાં ચેમ્પિયન બની, મુંબઈ-ચેન્નાઈની ખાસ ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક
ધોની ક્રિકેટ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાં સામેલ છે. અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરી ધોનીએ અનેકવાર ચેન્નાઈ સુપર કિંગ્સને જીત આપવી છે. ડેથ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરી તેને પોતાના દમ પર તમને વિજેતા બનાવી છે. ધોનીએ 249 IPL મેચોમાં પાંચ હજારથી વધુ રન બનાવ્યા છે. વિકેટ પાછળ પણ ધોનીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તેણે 141 કેચ અને 41 સ્ટમ્પિંગ કર્યા છે, સાથે જ તણાવભરી સ્થિતિમાં શાંત રહી ઝડપી અને ચપળ નિર્ણયો લેવાની ક્ષમતાએ તેને શ્રેષ્ઠ કેપ્ટન બનાવ્યો છે.
ચેન્નાઈ રેકોર્ડ દસમી વાર ફાઈનલમાં
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રેકોર્ડ દસમીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે. CSKની ટીમે ચાર વખત IPL ટ્રોફી જીતી છે અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ બીજી સૌથી સફળ ટીમ છે. આજની મેચમાં જો ચેન્નાઈ ગુજરાતને હરાવશે તો મુંબઈના સૌથી વધુ પાંચ વાર ચેમ્પિયન બનવાના રેકોર્ડની બરાબરી કરી લેશે.
પાંચમી IPL ટ્રોફી પર ધોનીની નજર
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની આગેવાનીમાં પાંચ વાર IPL ટ્રોફી જીતી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કપ્તાનીમાં ચાર વાર ટ્રોફી પર કબજો કર્યો છે. એવામાં જો આજે ચેન્નાઈ જીતશે તો સૌથી વધુ વાર ટ્રોફી જીતનાર કેપ્ટન તરીકે પણ ધોની રોહિતની બરાબરી કરી લેશે.