ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. તેણે 3-1ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરી અને સરળતાથી રનચેઝ કરી ટીમને જીત અપાવી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમલ ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેના ઓપનરોએ શાનદાર શરૂઆત આપી હતી, પરંતુ ટીમ આ શરૂઆતને મોટા સ્કોર સુધી લઈ જઈ શકી ન હતી. જેના કારણે ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 152 રન બનાવ્યા હતા. ખલીલ અહેમદ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપ્યા અને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. જ્યારે તુષાર દેશપાંડે, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેને 1-1 સફળતા મળી.
For his opening brilliance of 9⃣3⃣* off just 5⃣3⃣ deliveries, @ybj_19 is named the Player of the Match
Scorecard ▶️ https://t.co/AaZlvFY7x7#TeamIndia | #ZIMvIND pic.twitter.com/yqiiMsFAgF
— BCCI (@BCCI) July 13, 2024
153 રનના ટાર્ગેટના જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. આ બંને ખેલાડીઓએ જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે ખૂબ જ આક્રમક બેટિંગ કરી હતી અને શુભમન ગિલે તેને પૂરો સાથ આપ્યો હતો. જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં જયસ્વાલે 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
આ પ્રવાસની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ રહી નથી. ટીમને તેની પહેલી જ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો. હવે શ્રેણીની છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે. ટીમની નજર આ મેચ જીતીને પ્રવાસનો અંત લાવવા પર હશે.
આ પણ વાંચો: IPL: રિકી પોન્ટિંગની દિલ્હી કેપિટલ્સમાંથી છુટ્ટી, આ દિગ્ગજ હશે ટીમનો મુખ્ય કોચ