WI vs IND: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ રાત્રે ઉજાગરો કરી ત્રિનિદાદ એરપોર્ટ પર કલાકો બેસી રહેવુ પડ્યુ, મામલો BCCI સુધી પહોંચ્યો!
India vs West Indies ODI Series: ખેલાડીઓ નિયત સમયે એરપોર્ટ પર પહોંચ્યા બાદ ફ્લાઈટ લેટ પડવાને લઈ કંટાળ્યા હતા અને પરેશાન થઈ સમય પસાર કરવો પડ્યો હતો. જેને લઈ હવે મામલાની ફરીયાદ ભારતીય ક્રિકેટ બોર્ડને કરવામાં આવી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ સમાપ્ત થઈ છે. હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વ્હાઈટ બોલ સિરીઝનો પ્રારંભ થશે. ગુરુવારે પ્રથમ વનડે મેચ રમાનારી છે. આ માટે ભારતીય ટીમ ત્રિનિદાદ થી બાર્બાડોઝ પહોંચી છે. જ્યાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ ત્રિનિદાદથી રવાના થતા જ પરેશાન થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ રાત્રી દરમિયાન કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહીને સમય પસાર કરવો પડ્યો હતો.
હોટલમાંથી ચેકઆઉટ કરીને એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફ્લાઈટ ચાર કલાક મોડી ઉડી હતી. ત્યાં સુધી ખેલાડીઓએ એરપોર્ટ પર ફ્લાઈટ ઉડવા માટે રાહ જોવી પડી હતી. ખેલાડીઓ નિયત સમયે એરપોર્ટ પર પહોંચ્યા બાદ ફ્લાઈટ લેટ પડવાને લઈ કંટાળ્યા હતા અને પરેશાન થઈ સમય પસાર કરવો પડ્યો હતો. જેને લઈ હવે મામલાની ફરીયાદ ભારતીય ક્રિકેટ બોર્ડને કરવામાં આવી છે. ખેલાડીઓએ ટ્રાવેલ પ્લાનમાં રાત્રીના બદલે દિવસે જ ફ્લાઈટ બુક રાખવા માટે સૂચવવામાં આવ્યુ હતુ. આમ છતાં રાત્રીની ફ્લાઈટ બુક કરાઈ હતી અને જે કલાકો મોડી પડતા કલાકો સુધી ખેલાડીઓએ રાત એરપોર્ટ પર વિતાવવી પડી હતી.
ફ્લાઈટ 4 કલાક મોડી ઉડી
ભારતીય ટીમના ખેલાડીઓનુ શેડ્યૂલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત છે. રેડ બોલ સિરીઝ સમાપ્ત થયાના ઓછા સમયમાં જ હવે વ્હાઈટ બોલ સિરીઝ શરુ થઈ રહી છે. આ માટે એક થી બીજા શહેર પણ ટ્રાવેલ કરવાનુ હતુ. આ દરમિયાન હવે ખેલાડીઓને અપૂરતો આરામ પરેશાની વધારી રહ્યો છે. ખેલાડીઓએ પૂરતા આરામ અને પ્રેક્ટીસ સાથે મેદાને ઉતરે એવી સ્વાભાવિક અપેક્ષા રાખવામાં આવતી હોય છે.
મીડિયા રિપોર્ટ્સ મુજ ત્રિનિદાદ થી બાર્બાડોઝ જવા નિકળેલી ભારતીય ટીમની ફ્લાઈટ રાત્રીના 11 કલાકે ઉડનારી હતી. જે 4 કલાક લેટ થતા ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા. ખેલાડીઓ 11 વાગ્યાની ફ્લાઈટના હિસાબથી રાત્રે 8.40 વાગ્યે જ હોટલથી રવાના થઈ ગયા હતા. જોકે એરપોર્ટ પર પહોંચ્યા બાદ ફ્લાઈટ લેટ થવાથી ખેલાડીઓએ અડધી રાત્રી સુધી ઉજાગરો કરવો પડ્યો હતો. ફ્લાઈટ મધ્યરાત્રી બાદ 3 કલાકે ઉડી હતી. જેનાથી ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા. ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ બોર્ડને ફરીયાદ કરતા કહ્યુ હતુ કે, રાત્રીને બદલે દિવસે ફ્લાઈટ બુક કરવામાં આવે.
ગુરુવારથી ODI સિરીઝ શરુ થશે
બાર્બાડોઝમાં સિરીઝની પ્રથમ બંને વનડે મેચ રમાનારી છે. ગુરુવાર એટલે કે 27 જુલાઈએ પ્રથમ વનડે મેચ રમાનારી છે. ત્યાર બાદ બીજી વનડે મેચ 29 જુલાઈએ રમાનારી છે. જ્યારે સિરીઝની ત્રીજી મેચ 1 ઓગષ્ટે રમાનારી છે. સિરીઝની અંતિમ મેચ ત્રિનિદાદમાં રમાનારી છે. આમ બાર્બાડોઝથી ખેલાડીઓ ત્રિનિદાદ પરત પહોંચશે. હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ અને ઉમરાન મલિક પણ બાર્બાડોઝ પહોંચ્યા છે. આ ખેલાડીઓ વનડે સિરીઝ માટેની સ્ક્વોડમાં સામેલ છે.