ટીમ ઈન્ડિયાની 2 સૌથી મોટી જીતની કહાની એક જેવી, 5 મહત્વની વાતો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે કિવી ટીમ સામે રેકોર્ડ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં ફુલ ફોર્મમાં છે. 2023 ના વર્ષમાં રમાયેલી ચારમાંથી એક પણ વ્હાઈટ બોલ સિરીઝ ગુમાવી નથી. તો વળી વ્હાઈટ બોલ ક્રિકેટમાં રમાયેલી 12માંથી 10 મેચોમાં જીત મેળવી છે. વનડે ક્રિકેટમાં ન્યુઝીલેન્ડના સુપડા સાફ કરી દીધા હતા.
અમદાવાદમાં બુધવારે રમાયેલી ટી20 મેચમાં ભારતીય ટીમે વિક્રમી જીત નોંધાવી હતી. ભારતે આ જીત સાથે સિરીઝ 2-1 થી જીતી લીધી હતી. શુભમન ગિલની તોફાની સદીની ઈનીંગની મદદથી ભારતે વિશાળ ટાર્ગેટ ખડક્યુ હતુ. જેના દમ પર ભારતે ટી20 ક્રિકેટમાં ભારતે સૌથી મોટા માર્જીનથી જીત મેળવી હતી.
ભારતને અમદાવાદમાં મળેલી જીત અને વનડે સિરીઝમાં મળેલી જીત સાથે એક સમાનતા જોવા મળી રહી છે. ભારતે વનડેમાં સૌથી મોટા અંતરે જીત શ્રીલંકા સામે મેળીવી હતી, જ્યારે ટી20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે મેળવી હતી. બંને મોટા અંતરની જીતમાં કેટલીક સમાનતાઓ જોવા મળી છે.
આ પાંચ મોટી સમાનતાઓ જોવા મળી
- ભારતને વનડે અને ટી20 ફોર્મેટમાં પ્રવાસી ટીમો સામે ઘર આંગણે જીત મળી છે. ટીમ ઈન્ડીયાએ શ્રીલંકા સામે 317 રનથી જીત મેળવી હતી. જે મેચ શ્રીલંકન ટીમ માટે ભારત પ્રવાસની અંતિમ હતી. ન્યુઝીલેન્ડને પણ ભારતે અમદાવાદમાં પ્રવાસની અંતિમ મેચમાં વિશાળ અંતરે હાર આપી હતી.
- આ બંને જીત આઈસીસીની ફુલ મેમ્બર સામે મેળવેલી છે. ભારત પહેલા આઈસીસીની ફુલ મેમ્બર ટીમ સામે આવડી મોટી જીત અન્ય કોઈ ટીમે હાંસલ કરી નથી.
- આ બંને મેચોમાં શુભમન ગિલે સદી નોંધાવી છે. ઓપનર ગિલે શ્રીલંકા સામે વનડે મેચમાં 116 રનની ઈનીંગ રમી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ સામેની ટી20 મેચમાં ભારતીય ટીમના ઓપનરે અણનમ 126 રન 63 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જેમાં ગિલે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
- ભારતીય ટીમને આ બંને વિક્રમી જીત જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં વર્તમાન વર્ષમાં જ મળી હતી. એટલ કે શ્રીલંકાને વનડેમાં જાન્યુઆરી મહિનામાં 317 રનથી હાર આપી હતી. જ્યારે ફેબ્રુઆરીમાં ટી20 મેચમાં અમદાવાદમાં હાર આપી હતી.
- વોશિંગ્ટન સુંદર આ બંને મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ હતો, પરંતુ તેની સાથે એક ખાસ સંયોગ રચાયો હતો. વિક્રમી જીતની બંને મેચમાં ના તો બેટિંગ કરવાનો કે ના તો બોલિંગ કરવાનો મોકો સુંદરને મળ્યો હતો.