T20 World Cup 2021: કોહલી, રોહિત, રાહુલ અને પંત સહિતની બેટીંગ લાઇનનો ફ્લોપ શો, ન્યુઝીલેન્ડ સામે 110 રનનો આસાન સ્કોર
ટીમ ઇન્ડિયા (Team India) ની ઓપનીંગ જોડીમાં ફેરફાર કરીને રોહિત શર્મા (Rohit Sharma) નો બેટીંગ ક્રમ બદલવાનો દાવ ઉલ્ટો પડ્યો હતો. મહત્વની મેચમાંજ ખેલેલા દાવે ભારતીય ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની લીગ મેચ રમાઇ રહી છે. ટોસ હારીને ટીમ ઇન્ડિયા (Team India) બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનો ફરી એકવાર ફ્લોપ શો જારી રહ્યો હતો. ભારતીય ટીમની ઓપનીંગ જોડીમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) ના સ્થાને ઇશાન કિશન (Ishan Kishan) ને ઓપનીંગ માટે મોકલવામાં આવ્યો હતો. જે નિર્ણય નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન કર્યા હતા.
ટીમ ઇન્ડિયા બેટીંગ ઇનીંગ
ભારતીય ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી હતી. ભારતીય ટીમને મેદાને ઉતરતા પહેલા જ સૂર્યકુમાર યાદવની પીઠની સમસ્યાએ મુશ્કેલી સર્જી હતી. તો વળી ટીમમાં ઇશાન કિશનને સમાવ્યો હતો. તેને વિશ્વકપ માં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં તે તેની પ્રથમ મેચમાં જ નિષ્ફળ રહ્યો હતો. તેને સિધો જ ઓપનર તરીકે મોકલવામાં આવ્યો હતો. તેણે રોહિત શર્માના સ્થાને રમતા માત્ર 4 જ રન બનાવ્યા હતા. આ માટે તેણે 8 બોલનો સામનો કર્યો હતો.
રાહુલ અને ઇશાનની જોડી માત્ર 11 રનનુ જ યોગદાન આપી શકી હતી. પહેલા ઇશાન અને બાદમાં 35 રનના સ્કોર પર રાહુલની વિકેટ ગુમાવી હતી. તેણે 16 બોલમાં 18 રન કર્યા હતા. રોહિત શર્મા ત્રીજા ક્રમે રમવા માટે મેદાને આવ્યો હતો. જેણે 14 બોલમાં 14 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી એ 17 બોલમાં 9 રન ટીમના સ્કોરમાં જોડ્યા હતા. રિષભ પંતે 19 બોલમાં 12 રન નોંધાવ્યા હતા.
હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ રમતને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. જે બંનેએ ભારતીય ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે હાર્દિક 23 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 24 બોલમાં તેણે 1 ચોગ્ગાની મદદ થી આ રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 26 રન 19 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. શાર્દૂલ ઠાકુર શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શામી શૂન્ય પર અણનમ રહ્યો હતો.
ન્યુઝીલેન્ડ બોલીંગ ઇનીંગ
ઇશ સોઢી કિવી ટીમનો મહત્વનો બોલર સાબિત થયો હતો. બર્થ ડે બોય સોઢીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા અને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. એડમ મિલ્ને એ 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ મેળવી હતી.