IND VS AUS : શા માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો? રાહુલ દ્રવિડે આપ્યો જવાબ
વિરાટ કોહલીને કેમ આપવામાં આવ્યો આરામ? આ પ્રશ્ન હાલમાં ચાહકોમાં ચર્ચાનો વિષય છે. આ સવાલનો જવાબ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આપ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ પહેલા દ્રવિડે પ્રેસને સંબોધિત કરી અને ઘણી મોટી વાતો કહી હતી. જેમાં અશ્વિનની પસંદગી, સૂર્યકુમારનું ફોર્મ, બોલરોની પસંદગી અંગે પણ વાતચીત કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ODI સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ મેચ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) મીડિયાને સંબોધતા ટીમ ઈન્ડિયાની વિચારસરણી અને રણનીતિ પર મોટો ખુલાસો કર્યો હતો. રાહુલ દ્રવિડે કોહલી, અશ્વિન, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી પર મોટી વાતો કહી. રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને 19 મહિના બાદ ફરી વનડે ટીમમાં તક મળી છે અને અક્ષર પટેલની ઈજા બાદ તેને આ તક મળી છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ને વનડે સિરીઝમાં આરામ આપ્યા બાદ ટીમ મેનજેમનેટ પર સવાલો ઉઠી રહ્યા છે.
વિરાટ-રોહિત વર્લ્ડ કપમાં ફ્રેશ રહે તે જરૂરી
વિરાટ કોહલીને પ્રથમ બે મેચમાં આરામ આપવાના મુદ્દે રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેની સાથે વાત કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ પણ આરામ કરવા સંમતિ આપી હતી. ટીમ ઈચ્છે છે કે વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ વર્લ્ડ કપમાં માનસિક અને શારીરિક રીતે ફ્રેશ રહે.
અશ્વિન પર દ્રવિડનું મોટું નિવેદન
રાહુલ દ્રવિડે પણ રવિચંદ્રન અશ્વિન પર મોટું નિવેદન આપ્યું છે. મુખ્ય કોચે કહ્યું કે આ વનડે શ્રેણી આર અશ્વિન માટે ટ્રાયલ નથી. આ ફોર્મેટમાં તેના માટે આ એક તક સમાન છે. અશ્વિનનો અનુભવ અમારા માટે ઉપયોગી થશે અને તે 8મા નંબર પર સારું યોગદાન આપી શકે છે. તે હંમેશા અમારી નજરમાં હતો.
સૂર્યકુમાર યાદવ પર કહી મોટી વાત
રાહુલ દ્રવિડે પણ સૂર્યકુમાર યાદવ પર મોટી વાત કહી. દ્રવિડે કહ્યું કે અમને સૂર્યકુમાર પર વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે તે ODI ક્રિકેટમાં પણ પોતાની તાકાત બતાવશે. દ્રવિડના મતે તેને પ્રથમ બે મેચમાં તક મળશે.
બોલરોની પસંદગી અંગે આપી પ્રતિક્રિયા
રાહુલ દ્રવિડે કહ્યું કે વનડે શ્રેણીમાં ઝડપી બોલરોને ફેરવવામાં આવશે. મતલબ કે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સંભવતઃ શ્રેણીની ત્રણેય વનડે મેચ નહીં રમે.